ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં શો રૂમમાંથી 11 લાખની તસ્કરી થતાં ચકચાર : આરોપીઓ સીસીટીવીમાં કેદ
copy image
ગાંધીધામ ખાતે આવેલ નજીક ગળપાદરમાં આવેલ બી.એમ. ઓટો લિન્કના બે શો રૂમમાં ઘૂસી નિશાચરોએ જુદા-જુદા ખાના, તિજોરીમાંથી સોના,ચાંદીના સિક્કા તથા રોકડ રકમ એમ કુલ રૂા. 11,05,465ની તસ્કરી કરી હતી. એરપોર્ટ ચાર રસ્તા નજીક આવેલ બી.એમ. ઓટો લિન્કના નેક્ષા તેમજ અરેનાના શો રૂમમાં તસ્કરોએ હાથ માર્યો હતો. આ અંગે શો રૂમમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા સમીર ચંદ્રકાન્ત જૈન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદી સમીર ચંદ્રકાન્ત જૈન ગત તા. 4-8ના સાંજના અરસામાં પોતાના ઘરે ગયા હતા. બાદમાં તા 5-8ના સવારે આવી આગલા દિવસે એકઠા થયેલા પૈસા જોવા ટેબલનું ખાનું ખોલતા તે ખાનું તુટેલું જોવા મળ્યું હતું. ટેબલના આ ખાનામાં વકરાના રોકડ રૂા. 87,000 હતા જે તસ્કરોએ ઉઠાવી લીધા હતા. ફરિયાદીએ ચોકીદાર એવા રાજેશને બોલાવી બનાવની જાણ કરી હતી અને અન્ય કાંઇ ગયું છે કે નહિં તે તપાસવા કહ્યું હતું. એકાઉન્ટન્ટની કેબિન પહેલા માળે હોવાથી ત્યાં જતા ટેબલના ખાના તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા ત્યાર બાદમાં શો રૂમના માલિક વિકીભાઇની ચેમ્બર તપાસ કરાતા તેમાં આવેલી તિજોરી તોડી તેમાંથી પણ તસ્કરોએ હાથ માર્યો હતો. શો રૂમના માલિકની તિજોરીમાંથી રોકડ રૂા. 5,90,751 તથા સોનાના પાંચ સિક્કા અને ચાંદીના ચાર સિક્કા નિશાચરોએ તફડાવ્યા હતા કેશિયર તરૂણભાઇની ટેબલના ખાનામાંથી રૂા. 2,72,800 ઉપાડી જવાયા હતા. નયનભાઇના ખાનામાંથી રોકડ રૂા. 28,450 લઇ જવાયા હતા. આ શો રૂમની બહાર ત્રણ ચોકીદાર ફરજ બજાવી રહ્યા છે તેમજ સીસી ટીવી કેમેરા પણ લગાડેલા છે. રાત્રે 11થી રાત્રે 3 વાગ્યા દરમ્યાન ત્રણ શખ્સો શો રૂમમાં ચોરી કરતા સીસી ટીવીના ફુટેજમાં કેદ થયા હતા. સતત ધમધમતા એવા એરપોર્ટ ચાર રસ્તા નજીક આવેલા આ શો રૂમમાં નિશાચરો કેવી રીતે ઘુસ્યા હતા તે પ્રશ્ન છે. આ ટોળકીએ શો રૂમમાંથી રૂા. 11,05,465 મતાનો હાથ માર્યો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.