મુંદરા સોપારી કેસમાં કાસેઝની કંપનીના માલિકની ધરપકડ કરાઈ
copy image
મુંદરા બંદરે અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા કન્ટેનરો રોકીને કરવામાં આવેલી તપાસમાં બે કન્ટેનરમાંથી નીકળેલી સોપારીના કેસમાં કંડલા સેઝમાં આવેલી કંપનીના માલિકની ધરપકડ કરાઈ છે અને તેના રિમાન્ડ પણ મેળવાયા છે. આ બાબતે મળતી માહિતી મુજબ હાલમાં અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા બાતમીના આધારે જેબઅલી પોર્ટથી આવેલા 6 કન્ટેનર રોકવામાં આવેલ હતાં. તે પૈકી બે કન્ટેનરની ખોલીને તપાસ કરવામાં આવેલ હતી. કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણા ડીકલેર કરવામાં આવ્યા હતા અને તેમાંથી સોપારીનો જંગી જથ્થો સામે આવ્યો હતો. આ સોપારીના જથ્થામાં કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના સુમીત ઈન્ડિયા કંપનીના માલિક મનપ્રીત સૈનીની સંડોવણી ખુલી હતી. અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે કંપનીના માલિકને ત્રણેક દિવસ અગાઉ ઉપાડવામાં આવ્યો હતો અને પુછપરછ કરવામાં આવી હતી. ડી.આર.આઈ. દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ સાથે આરોપીને અમદાવાદની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે આરોપી સામે ડી.આર.આઈ. દ્વારા કસ્ટમ એકટ તળે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમ્યાન હજુ વધુ ચાર કન્ટેનરની તપાસ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું હતું.