શિણાય ડેમમાં બીજા દિવસે વધુ એક યુવાનની તરતી લાશ દેખાઈ

Swimmer floating on his back.

Swimmer floating on his back.

 

શિણાય ગામના ડેમમાં ગત દિવસે અક્ષિતા અને ગૌતમ માલી નામના કૌટુંબિક ભાઇ-બહેનના ડૂબી જવાથી મોત થયાં બાદ અંતરજાળના વધુ એક યુવાનની લાશ તરતી મળી આવેલ હતી. જો કે, આ બાબતે પોલીસ મથકે કોઇ પણ પ્રકારની નોંધ થઇ ન હતી. દરમ્યાન આ ડેમમાં પાણીમાં કોઇએ ન નાહવું તેવા પાટિયા ગ્રામ પંચાયતે લગાવેલા હતા.  તાલુકાના સૌથી મોટા શિણાય ડેમ પાસે અન્ય મિત્રો સાથે ફરવા ગયેલા અક્ષિતા અને ગૌતમ નામના કૌટુંબિક ભાઇ – બહેનના અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મોતના બનાવથી ભારે ગમગીની પ્રસરી હતી તેવામાં આજે સવારે આ ડેમની વચ્ચોવચ્ચ એક તરતી લાશ દેખાઇ હતી, જે વાયરાની જેમ લોકોમાં પ્રસરી જતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તરવૈયાની મદદથી આ યુવાનની લાશને બહાર લાવવામા આવી હતી. આ યુવાન અંતરજાળનો હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આ બાબતે આદિપુર પોલીસ મથકનો સંપર્ક કરતાં અપમૃત્યુના આ બનાવ અંગે કોઇ નોંધ ન હોવાનું સામે આવ્યું હતું. બે દિવસમાં આ ડેમમાં ત્રણ લોકોનાં મોત થતાં પંચાયતે અહીં પાટિયા લગાવ્યા હતા જેમાં આ ડેમમાં કોઇએ નાહવું નહીં. ડેમની ઊંડાઇ બહુ જ ભયજનક છે જેથી જાનહાનિનો ખતરો છે, જેથી આ પાણીમાં નાહવા જનાર વ્યક્તિ વિરુદ્ધ પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. થોડા સમય અગાઉ નર્મદા કેનાલ બનતી હતી તે સમયે આ ડેમમાંથી માટી કાઢી તેમાં 15 ફૂટથી વધારે અનેક જગ્યાએ ખાડા કરવામાં આવેલ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા  ત્યારે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી તેમજ હાલમાં પણ આવા બનાવો બને છે ત્યારે ડેમને ફરતે ફેન્સિંગ ઊભી કરવા અમૂક સ્થાનિક લોકોમાં માંગ ઊઠી છે.