આદિપુર ખાતે આવેલ સિદ્ધેશ્વર પાર્કમાં ગટરનું પાણી ભરાઈ જતાં લોકો ત્રસ્ત
આદિપુર ખાતે આવેલા સિદ્ધેશ્વર પાર્ક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ગટરનાં ગંદા પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે જેના પરીણામે રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ત્યાના રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગટરની ચેમ્બર ઊભરાતી હોવાથી પાણી ગટરના બદલે જાહેર રસ્તા પર ભરાઇ રહ્યા છે અને ઘરમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. ગંદા પાણી ગોઠણસમા ભરાઇ જવાનાં કારણે પગે તો ચાલી શકાય તેવી શક્યતા જ નથી, બે પૈડાંવાળાં વાહનોથી નીકળવામાં પણ મુશ્કેલી થાય છે સતત ગંદી વાસ આવવાના લીધે નિકાલ માટે રહેવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે, આ વિસ્તાર મેઘપરમાં આવે છે, તેથી ગ્રામ પંચાયતની જવાબદારી છે, જ્યારે ગટરનાં પાણીના નિકાલ માટે ગ્રામ પંચાયત પાસે કોઇ મશીનરી ઉપલબ્ધ નથી. નગરપાલિકા તંત્ર તરફથી કોઈ પ્રકારનો સહકાર ન મળતાં શહેરી વિસ્તારના સેંકડો રહેવાસીઓ ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘરની મહિલાઓ સવારે શાકભાજી લેવા કે અત્યારે અધિક માસ નિમિત્તે મંદિરમાં પણ જઇ શકતી નથી તેવી પરીસ્થિતિ બની ગઈ છે. આખો દિવસ ગંદી વાસ ઘરોમાં આવતી હોવાથી વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. વળી, આસપાસની અન્ય કોલોનીને પણ આ જ સમસ્યા સતાવતી હોવાનું સામે આવ્યું હતું.