રાપર ખાતે આવેલ આડેસરમાં વિદેશી સિગારેટ સાથે દુકાનદારની અટક કરાઈ

copy image

રાપર ખાતે આવેલ આડેસરમાં વિદેશી સિગારેટનું વેચાણ કરતા એક દુકાનદારને ઝડપી પાડી દુકાનમાંથી પોલીસે રૂા. 800ની વિદેશી સિગારેટ કબ્જે કરી હતી. રાપરના આડેસરમાં સણવા ચાર રસ્તા નજીક આવેલી આઈ રૂપલ પાન સેન્ટર નામની દુકાનમાં સ્થાનિક પોલીસે ગત દિવસે સાંજના અરસામાં  કાર્યવાહી હાથ ધરી હતી.  દુકાનમાં વિદેશી સિગારેટ વેચાતી હોવાની પૂર્વ બાતમીના પગલે પોલીસ ત્યાં પહોંચી હતી. આ દુકાનમાં ઈન્ડોનેશિયાની બનાવટની સિગારેટના આઠ પેકેટ મળી આવેલ હતા. આ પેકેટ ઉપર ચેતવણી દર્શાવતા શબ્દો કે ચિત્રો દોરેલા ન હતા તેમજ કેટલાક ઘટક તત્ત્વોની માત્રા પણ દર્શાવવામાં આવેલ ન હતી તથા દુકાન પાસેથી તેના બિલ કે અધાર-પુરાવા પણ મળી આવેલ ન હોતા. આ સિગારેટ કબ્જે કરી દુકાનદારની અટક કરાઈ હતી. ગાંધીધામ, આદિપુર સંકુલમાં કંડલાથી આવતી વિદેશી સિગારેટ સહિતની નશાકારક વસ્તુઓ પાનના ગલ્લાઓમાં વેચાણ થાય છે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે અહીં પણ આવી કામગીરી કરવા લોક માંગ ઊઠી હતી.