ગાંધીધામ ખાતે આવેલ મચ્છુનગર નજીક ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયો અકસ્માત : બે યુવકનાં ઘટના સ્થળે જ મોત
ગાંધીધામ ખાતે મચ્છુનગર પુલિયા નજીક ટ્રેઇલર અડફેટે લેતા ટ્રાન્સપોર્ટમાં કામ કરતા બે યુવાકના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મળેલ માહિતી અનુસાર વરસામેડી ખાતે રહેતા અને મીઠીરોહર નજીક બેસ્ટ ન્યુ પંજાબ હરિયાણા રોડ લાઇન્સ નામથી ટ્રાંસપોર્ટ પેઢી ધરાવતા અનિલભાઇ મુકનારામ શર્મા દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવેલી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર આ જીવલેણ ઘટના ગત તા.15 ઓગષ્ટના સવારે 10 વાગ્યાના અરસામાં બનેલ હતી જેમાં તેમની પાસે કામ કરતા રાજસ્થાનના 20 વર્ષીય અરૂણ લક્ષ્મીનારાયણ તેમજ 33 વર્ષીય મનોજકુમાર હનુમાનપ્રસાદ તેમને ઉપયોગ અર્થે આપેલી બાઇક લઇને જઇ રહ્યા હતા તે દરમીયાન મચ્છુનગર પુલિયા નજીક પૂરપાટ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે તેમને અડફેટે લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્નેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી પરીણામે ઘટનાસ્થળે જ બંનેના મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટેલા ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.