રાપર ખાતે આવેલ મોટી હમીરપર ગામના એક બંધ મકાનમાથી ધોળા દિવસે રૂા 1,72,200ની તસ્કરી થતાં ચકચાર

copy image

રાપર ખાતે આવેલ મોટી હમીરપર ગામના ખેડૂત દંપતી વાડીએ ગયેલ હતા. તે દરમીયાન તસ્કરોએ મકાનનાં તાળાં તોડી સોના, ચાંદીના દાગીના એમ કુલ કિ. 1,72,200ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા, રાપરના મોટી હમીરપર ગામે આધેડ ખેડૂત હરજી દાના ચૌધરી અને તેમના પત્ની કાનીબેન એકલા વસવાટ કરે છે, તેમના ત્રણ સંતાન કામ-ધંધાર્થે મુંબઇ ખાતે રહે છે. મળેલ માહિતી અનુસાર ગત તા. 23-8ના સવારના અરસામાં આ ખેડૂત પોતાની વાડીએ કામ કરવા ગયેલ હતા. ત્યાર બાદ ફરિયાદીના પત્ની જમવાનું લઇને વાડીએ આવેલ હતા. આ બંનેએ સાંજ સુધી વાડીમાં કામ કર્યા બાદ મહિલા પોતાના ઘરે ગયેલ હતા, ત્યાં પહોંચતાં તેમના ઘરનાં તાળાં તૂટેલ હાલતમાં જણાતા ફરિયાદીને ફોન કરી ઘરે બોલાવ્યા હતા. આ અંગે મળતી વધુ માહિતી અનુસાર તેમના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો ઘરમાં ઘૂસી બે તોલાની સોનાની રામરામી, સોનાની સોનારિયાની કંઠી, ચાંદીના સાંકળા, સોનાનું એક દાણીયું, કાંસાની નાની-મોટી થાળી નંગ 12, ચાંદીના કડલા એમ કુલ રૂા. 1,72,200ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.