મીઠીરોહરમાં યુવાનની હત્યા કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો
ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરમાં સામાન્ય મામલે યુવાનની હત્યા કેસમાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. મળેલ માહિતી મુજબ મીઠીરોહરના ઈન્દિરાનગરમાં જગદીશ અયાચીના પ્લોટમાં ગત તા. 21/6/2019ના રોજ હત્યાનો આ બનાવ બનેલ હતો. ત્યાં રહેનાર મનીષ કુમારની ન્હાવાની બાલ્ટી આરોપી મુનાખાન ઉર્ફે રસીદખાને લઈ જતા બંને વચ્ચે માથાકૂટ થયેલ હતી. જેનું મનદુ:ખ રાખી મનીષ સુતો હતો તે દરમીયાન આરોપીએ તેના પર છરી દ્વારા હુમલો કરી તેની હત્યા કરી હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર્જસીટ રજૂ કરેલ હતી. સરકાર પક્ષે 22 સાહેદો, 39 દસ્તાવેજો પુરાવામાં રજૂ કરવામાં આવેલ હતા. જ્યારે આરોપીના ધારાશાત્રીએ વિવિધ હાઈકોર્ટના ચૂકાદા ધ્યાનમાં લેવા સહિતની મૌખિક લેખિત દલીલો કરી હતી. ત્યારે ન્યાયાધિશએ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા અંગેનો હુકમ જાહેર કર્યો હતો.