અંજાર ખાતે આવેલ મીત ફર્નિસિંગ નામની દુકાનમાથી બળજબરીથી 18,550નો માલ લઇ જનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
અંજારમાં એક દુકાનમાંથી રૂા. 18,550ના સામાનની ખરીદી કર્યા બાદ પૈસા ન આપી આ સામાન બળજબરી પૂર્વક લઇ જનારા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ કામધેનુ સોસાયટીમાં રહેતા ભરત ડાયાલાલ ઠક્કર નામના વેપારી 12 મીટર રોડ નજીક મીત ફર્નિસિંગ નામની દુકાન ચલાવી રહ્યા છે. ગત તા. 26-6નાં રોજ આ વેપારી પોતાની દુકાને હાજર હતા તે દરમીયાન ત્યાં એક શખ્સ આવી હું માવુભા વાઘેલાનો ભાણેજ પરાક્રમસિંહ જાડેજા છું તેમ કહી ગાદલા, ઓછાડ, ઓશિકા, બ્લેન્કેટ વગેરેનો ઓર્ડર આપી તૈયાર કરવા કહ્યા બાદ હું કાલે લઇ જઇશ તેમ કહીને નીકળી ગયેલ હતો.
તા. 28-6ના ફરિયાદી અમદાવાદ ગયેલ હતા તે દરમીયાન તેમનો પુત્ર મીત દુકાને હાજર હતો ત્યારે કાળા રંગની સ્કોર્પિયો ગાડી લઇને બે શખ્સો ત્યાં પહોંચ્યા હતા. તેમણે માલ અંગે પૂછતાં મીતએ માલ તૈયાર હોવાનું જણાવ્યુ હતું. ત્યારે આ બંને શખ્સો વસ્તુઓ ઉપાડી જતાં દુકાન માલિકના પુત્રએ પૈસા માંગતા પરાક્રમએ પરાક્રમસિંહ સાવજુભા જાડેજા મારૂ નામ છે જામખંભાળીયાનો છું હાલે ખેડોઇ રહું છું મારા વિશે પુછી લેજો તેમ કહી ગાળો આપી આ સામાન લઇને બંને શખ્સો ત્યાથી રવાના થઈ ગયેલ હતા. ફરિયાદીની દુકાનમાંથી જુદા જુદા ગાદલા, કવર, ચાદર, ઓશિકા, એસી બ્લેન્કેટ વગેરે રૂા. 18,550નો સામાન બળજબરીપૂર્વક આ શખ્સો ઉઠાવી ગયેલ હતા. દુકાનદારના પુત્ર દ્વારા શખ્સને ફોન કરી પૈસા માંગતા તેણે ના પાડી દઇ જે થાય તે કરી લેવા ધમકી આપેલ હતી. બે માસ પૂર્વે બનેલ આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.