લોનનો હપ્તો બાઉન્સ જવાના કારણે શેખપીર નજીક શ્રમિકને માર મરાતા પધ્ધર પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી

ભુજ ખાતે આવેલ શેખપીર પાસે કિસાન કોટન મીલના ગેટની સામે લોનનો હપ્તો બાઉન્સ જવા મુદ્દે સુમરાસરના એક શ્રમિકને માર મરયો હોવાથી મારામારી તેમજ એટ્રોસીટી સહિતની કલમો અંતર્ગત પધ્ધર પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.આ અંગે મળતી માહિતી અનુસાર આ બનાવ બાબતે સુમરાસરના ધીરજકુમાર દેવકરણભાઈ મેરીયા દ્વારા પધ્ધર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના મોટાભાઈ હીરાભાઈની ગામમાં હેન્ડીક્રાફ્ટની દુકાન આવેલી છે જેના પર વર્ષ 2020 માં હિંદુજા હાઉસિંગ ફાઇનાન્સ બેંકમાંથી રૂપિયા પાંચ લાખની લોન લેવામાં આવેલ હતી અને મહિને 11024 નો હપ્તો નક્કી કરવામાં આવેલ હતો.આ હપ્તો તેઓ સમયસર ભરી દેતા હતા અને હપ્તાની ઉઘરાણી  બાબતે માધાપરના જીગરસિંહ રૂપસિંહ સોઢા સાથે ઓળખાણ થઈ હતી.ગત 11 તારીખે ફરિયાદી કાનજીભાઈ સાથે પ્લમ્બરના કામ માટે મજૂરીએ ગયેલ હતા, તે દરમીયાન  જીગરસિંહનો ફોન આવેલ હતો તેમણે જણાવ્યુ હતું કે તમારો હપ્તો બાઉન્સ થયેલ છે. જેથી ફરિયાદીએ તેના ખાતામાં રૂપિયા પડ્યા છે, ચેક નાખીને ઉપાડી લેવા કહ્યું હતું. આ સાંભળી ઉશ્કેરાઇ જઈને તું ક્યાં છો તેમ કહેતા ફરિયાદીએ શેખપીર નજીક હોવાનું જણાવતા તે આવી પહોંચ્યો હતો અને તું મને ઓળખે છે, હું કોણ છું, હપ્તા ન ભરાય તો શું કામ આમ કરે છે તેમ કહી માર માર્યો હતો. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધું તપાસ હાથ ધરી છે.