રાપર ખાતે આવેલ ડાભુંડા રોડ પર પગપાળા જતાં એક  વૃદ્ધાના કાનમાંથી રૂા. 20,000ના વેડલાની ચીલઝડપ કરી નાસી છૂટેલ બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

  રાપર ખાતે આવેલ ડાભુંડા રોડ પર પગપાળા જતાં એક  વૃદ્ધાના કાનમાંથી રૂા. 20,000ના વેડલાની ચીલઝડપ કરી નાસી છૂટેલ બે શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.  આ અંગે મળેલ માહિતી મુજબ રાપર ખાતે આવેલ ડાભુંડા રોડ પર પગપાળા જતાં એક  વૃદ્ધાના કાનમાંથી રૂા. 20,000ના વેડલા ખેંચી બાઇક ઉપર આવેલા બે શખ્સો નાસી છૂટયા હતા. રાપર ખાતે આવેલ બેરાવાડી વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા બધીબેન ભોજા સવજી હનાત સાથે ગત દિવસે સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. તેમની ડાભુંડા રોડ ઉપર વાડી આવેલી હોવાના કારણે ત્યાં બાંધેલી પાડીને ચારો આપવા વાડીએ પગ પાળા જઇ રહ્યા હતા, તે દરમીયાન મેઘવાળ સમાજવાડી પાછળ પહોંચ્યા હતા ત્યારે ત્યાં બાઇક ઉપર બે શખ્સો ઊભેલા જણાયા હતા જે પૈકી પાછળ બેઠેલો શખ્સ તેમની પાસે આવી બંને કાન પકડી કાનમાં પહેરેલા સાત વેડલા ખેંચવાની કોશિશ કરેલ હતી, જેમાં મહિલાએ પ્રતિકાર કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. તેવામાં આ શખ્સે ડાબા કાનનો એક વેડલો ખેંચી લેતાં વૃદ્ધાનો કાન ફાટી ગયેલ હતો. આ વૃદ્ધાએ રાડારાડ કરતાં આ શખ્સો બાઇક ઉપર બેસીને નાસી છૂટ્યા હતા. આ વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.