મુંદ્રામાંથી અલગ અલગ બ્રાન્ડના શરાબની 96 બોટલ કબ્જે : આરોપી ફરાર
મુંદ્રામાંથી 33 હજારની કિમતની કુલ 96 શરાબની બોટલ પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ રાત્રે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે રવિરાજસિંહ ઉર્ફે લાલો મહિપતસિંહ રાઠોડ નામના શખ્સે ગાયત્રીનગર પાણીના ટાંકાની પાછળ આવેલા ધોબીઘાટ નજીક બાવળોની ઝાડીમાં શરાબનો જથ્થો બહારથી લાવી વેચાણ અર્થે રાખેલ છે અને સગેવગે કરવાની તૈયારીમાં છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી કિંમત કુલ કિ. રૂા. 33,600ની શરાબની અલગ-અલગ બ્રાન્ડની 96 બોટલો ઝડપી પાડી હતી. મળેલ માહિતી અનુસાર હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપીને પકડી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.