દેશી દારૂ શોધવા નીકળેલી પોલીસને દેશી હાથ બનાવટની બે બંદૂક મળી આવી
રાપર ખાતે આવેલ ત્રંબૌ ખડતલ વાંઢ તથા સાયાબંધ વાડી વિસ્તારમાં દેશી દારૂ શોધવા ગયેલ પોલીસને બે દેશી બંદૂક મળી આવતા ચકચાર પ્રસરી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બે શખ્સની ધરપકડ કરાઈ હતી. મળેલ માહીતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ત્રંબૌ ખડતલા વાંઢમાં રહેનાર પ્રવીણ રૂપશી કોળી નામનો શખ્સ પોતાના કબ્જાની વાડીમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ રેઈડ પાડતાં ખેતરના શેઢામાંથી દેશી હાથ બનાવટની રૂા. 2000ની બંદૂક નીકળી પડી હતી. મળેલ બંદૂક અંગે પૂછતાછ કરતા આરોપી આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. રેતી આરોપીની અટક કરવામાં આવી હતી. વધુ તપાસ કરતા આ બંદૂક તેઓ એક માસ પૂર્વે નાનજી મમલા કોલી પાસેથી લીધી હોવાનું સામે આવ્યું હતું. પૂર્વ બાતમીના આધારે બીજી કાર્યવાહી નંદાસરના સાયાબંધ વાડી વિસ્તારમાં કરવામાં આવી હતી. હનિફ ઉર્ફે પોટો બાપુજી સમાની કબ્જાની વાડીમાંથી દેશી હાથ બનાવટની રૂા. 2000ની બંદૂક હસ્તગત કરાઈ હતી. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.