માધાપરના યુવાનને ઊંચા વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતાં અંજારના આરોપી શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

 

ભુજ તાલુકાના માધાપરના યુવાને અંજારના દબડામાં રહેનાર બે ભાઇ પાસેથી વ્યાજે ઉછીના પૈસા લીધા બાદ તેમને 10થી 12 લાખ પરત આપી દીધા હોવા છતાં પણ આ યુવાનના મકાનના દસ્તાવેજ, દાગીના પડાવી લઇ પઠાણી ઉઘરાણી કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે માધાપરના દેવજી અમૃતલાલ સુથારે ફરિયાદ નોંધાવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીએ 2020માં અંજારના સતાપર રોડ પાસે આવેલા સ્વામિનારાયણ નગરમાં રહેતા હતા તે દરમ્યાન આ યુવાનના પિતાની તબિયત ખરાબ થતાં અને પૈસાની જરૂરિયાત હોવાથી તેમણે આરોપી પાસેથી 10 ટકા વ્યાજે રૂા. 6,50,000 ઉછીના લીધા હતા અને બાદમાં તેણે વ્યાજ સહિત 10થી 12 લાખ આરોપીઓને પરત આપી દીધા હતા. ફરિયાદી કોરોનાકાળમાં તૂટી જવાના કારણે વ્યાજ પર પૈસા આપવાનું બંધ કરી દીધેલ હતું. ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને ફોન કરી ગોપાલ ઘરે આવે છે, તેં વગર વ્યાજે પૈસા લીધા છે તેવા કાગળમાં સહી કરી આપવા ધમકી આપેલ હતી. ગોપાલ ફરિયાદીના ઘરે જઇ હસ્તાક્ષર લઇ આવ્યો હતો. ત્યાર બાદ ડરી ગયેલ ફરિયાદી રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા. આરોપીઓ ફરિયાદીના બહેન-બનેવી પાસે જઇ તેમને ધાકધમકી કરી દાગીના મેળવી લઇ તથા ફરિયાદીના મકાનની ફાઇલ હાસિલ કરી લીધી હતી અને અસલ દસ્તાવેજ પોતાની પાસે જ રાખી દીધા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.