મુંદ્રાના નાના કપાયાની જિંદાલ સો પાઈપ ફેક્ટરીમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા દોડદામ મચી
મુંદ્રા પાસે આવેલ નાના કપાયા ગામમાં જિંદાલ સો પાઈપ ફેક્ટરીમાં ગત દિવસે સવારના ભાગે અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે દોડદામ મચી હતી. આ આગના બનાવમાં ભારે આર્થિક નુકસાન થયુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. મળેલ માહિતી અનુસાર આ શહેરમાં છેલ્લા એક દોઢ માસના સમયગાળા દરમ્યાન પાંચથી સાત આગના બનાવો બની ચૂક્યા છે, તેની વચ્ચે બનેલા વધુ એક વિકરાળ આગનો બનાવ એ ચિંતાનું કારણ બની શકે છે. આગના બનાવની જાણ થતાં જિંદાલ કંપનીનાં 2 અને અદાણી કંપની, ડોર્ફકેટલ, સીજીપીએલ કંપનીઓના કુલ મળીને 10 વોટર ટેન્કર અગ્નિશમન વાહનોએ સાથે મળીને લગભગ ચાર કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.