રહસ્યમય હત્યા : ભુજના મિરજાપરના યુવાનની લાશ મળી આવતા દોડદામ મચી

copy image

copy image

 

 ભુજ તાલુકાનાં મીરજાપર ગામના યુવાનની હત્યા કરી દેવામાં આવેલ હોવાનો ચકચારી મામલો સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર લગ્ન પ્રસંગે ગયેલા મિરજાપર ગામના 23 વર્ષીય દિનેશ ઉર્ફે સુનીલ ઓસમાણ કોલી નામના યુવાનની લાશ સુખપર-નાગથડા વચ્ચેના માર્ગ પર નદીના પુલ પાસેથી મળી આવતા ભારે ચકચાર પ્રસરી છે. મળેલ માહિતી મુજબ મિરજાપરના મહાદેવનગર વિસ્તારમાં રહેતો અને મજૂરીનું કામ કરતો આ યુવાન ગત ગુરુવારે રાત્રે લગ્ન પ્રસંગે સુખપર ગયેલ હતો, બાદમાં બીજા દિવસે તે પરત ન ફરતાં તેની શોધ કરવામાં આવી હતી. આ દરમિયાન આ યુવાનની કોઈ બોથડ પદાર્થ તથા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજાઓ કરાયેલો મૃતદેહ મળી આવેલ હતો. આ યુવાનની સુખપર-નાગથડા માર્ગ પર હિતેશ્વર મહાદેવ મંદિર પાછળ નદીના પુલિયા પાસે લાશ હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ તે સ્થળે દોડી ગઈ હતી. વધુ તપાસ કરતાં સામે આવ્યું કે, કોઈ નક્કર પદાર્થ વડે માથાનાં ભાગે અને ધારદાર હથિયાર વડે શરીરના ડાબા પડખે ગંભીર પ્રકારની ઈજાઓ પહોચડવામાં આવેલ છે. બાદમાં પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી અર્થે લાશને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.