પગાર લેવા ગયેલ દલિત યુવકને ઢોર માર માર્યો
તા.22/11/2023 ના રોજ ફરિયાદી નિલેશ દલસાણિયા નામનો દલિત યુવક આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ને ત્યાં નોકરી કરતો હતો તેના સોળ દિવસ જેટલું કામ કરેલ તેના પગારની ઉઘરાણી કરવા વિભૂતિની ઓફિસે ગયેલ. ત્યારે ત્યાં હાજર ડી.ડી. રબારી નામના આરોપીએ ફરિયાદીને એક ફડાકો મારી દીધો. તે વખતે આ વિભૂતિ અને તેના દસેક સાગરિતો ભેગા થઇ ફરિયાદીને માર મારી તેના વાળ પકડી અગાસીમાં લઇ જઈ આ વિભૂતિ અને બીજા બે જણાએ ફરિયાદીને પટ્ટા વડે વાંસાના ભાગે માર માર્યો. બાકીનાઓએ ઢીંકાપાટુ થી માર મારી જમણા હાથના પોચા પર અને શરીરે ઈજાઓ પહોંચાડી. વિભૂતિએ તેનું ચપ્પલ ફરિયાદીના મોઢામાં લેવડાવી ગાળો આપી તેની જ્ઞાતિ આધારિત અપશબ્દો બોલી અપમાનિત કરી માફી મંગાવી તે વખતે એક જણાએ આ ફરિયાદીને બળજબરીપૂર્વક માફી મગાવતો વિડિઓ ઉતાર્યો. ફરિયાદીની કાંડા ઘડિયાળ અને ફરિયાદીના ખીસામાંથી પાંચચો રૂપિયા લૂંટી લીધા.
ફરિયાદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા. આ અધમ ગુનાહિત કૃત્ય ની પોલીસે IPC ની કલમ 143, 147, 148, 323, 504, 506(2), 395 અને એટ્રોસિટી એક્ટ ની કલમ 3(1)(R), (S), 3(1)(E), 3(2)V વિગેરે ગુનાની FIR નોંધી.
વિભૂતિ અને સાગરીતો શરૂઆત માં ફરાર થયા.તા 23/11/2023 ના વિભૂતિ અને અમુક સાગરીતો આગોતરા જામીન અરજી કરે છે. સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટ 25/11/2023 ના આગોતરા રદ કરે છે.
ત્યાર બાદ વિભૂતિ અને સાગરીતો ની ધરપકડ કરી પોલીસ કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસ માટે રિમાન્ડ માટે પોલીસને સોંપ્યા.
ચાર દિવસની રિમાન્ડ પુરી. વિભૂતિ અને સાગરીતો જેલ ભેગા.
તમામ આરોપીઓ પૈકી ડી ડી રબારી નામના આરોપીનો ગુનામાં ફરિયાદીને એક લાફો મારી ત્યાંથી જતો રહેવા પૂરતો જ રોલ હતો એટલે કોર્ટ તેને જામીન પર છોડે છે.
તા. 4/12/2023ના વિભૂતિ પટેલ અને બીજા પાંચેક આરોપીઓ વ્યક્તિગત અલગ અલગ રેગ્યુલર જામીન પર છૂટવા જામીન અરજીઓ કરે છે.
વિભૂતિ પટેલ પોતાની જામીન અરજી માં એવી રજુઆત કરે છે કે :-
- પોતે નિર્દોષ છે.
- ફરિયાદી તેને ત્યાં કામ કરતો એટલે તેણીના ઈમ્પોર્ટ એક્સપોર્ટ ના બિઝનેસના ગુપ્ત ડેટા ની ફરિયાદીએ ચોરી કરેલ. તેના બદલામાં તે મોટી રકમની માંગણી કરતો હતો.
- પોતે રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના મેનેજીંગ ડીરેક્ટર છે.
- અપરિણીત છે
- મા બાપ મોટી ઉંમરના છે.
- સોસાયટીમાં તેણીના મૂળિયાં ઊંડા સુધી છે.
-તેણીને બિઝનેસ ઓફ ધી ઇયર -2023 નો એવોર્ડ મળેલ છે.
-27 વરસની કુમળી ઉંમરમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલની ઈંગ્લીશ સ્પેનીશ ઇટાલિયન રશીયન સહિત આઠ ભાષાઓ નું જ્ઞાન ધરાવી અલગ અલગ દેશોમાં વેપાર ધંધો કરે છે. - વેપાર ધંધાર્થે અવારનવાર વિદેશ જવાનું બને છે.
-અગાઉ રિલાયન્સ કમ્પની જિઓમાં માર્કેટિંગ મેનેજર તરીકેનો અનુભવ ધરાવે છે.
-ધંધાકીય હરીફાઈના લીધે ખોટી રીતે સંડોવી દીધેલ છે. વિગેરે વિગેરે.
ફરિયાદીએ જામીન અરજી વિરુદ્ધ લેખિત વાંધા રજુ કર્યા. ગુનાની તપાસ કરનાર DySP એ જામીન અરજી વિરુદ્ધ એફિડેવિટ રજુ કર્યું.આ જામીન અરજીના વિરોધમાં ફરિયાદી અને પ્રોસિક્યુશન તરફથી ફરિયાદી /પીડિત આજની તારીખે હજુ હોસ્પિટલમાં સારવારમાં દાખલ છે તેવી રજુઆત સહીત હોસ્પિટલનું સર્ટિફિકેટ રજુ કરવામાં આવેલ. ફરિયાદીના વાંસામાં સંપૂર્ણ ભાગમાં અને પીઠના ભાગમાં લાલ કલરના ચાંભા ઓ જે “રેલ રોડ ” પ્રકારના થઇ ગયેલ છે.આ ગુનાની તપાસ હજુ ચાલુ છે.આ વિભૂતિ પટેલે ફરિયાદીને અપમાનિત કરી ગાળો આપી પટા વડે માર મારી તેણીનું ચપ્પલ /સેન્ડલ ફરિયાદીને મોઢામાં લેવડાવેલ. આઝાદી ના 75 વરસ પછી પણ આ દેશના અનુસૂચિત જાતિના સભ્યો સાથેનું આ પ્રકારનું આમાનુષી વર્તન સમાજ માટે ખુબજ ભયજનક છે. આવા આરોપીઓને જો જામીન પર છોડવામાં આવે તો સમાજ પર વિપરીત અસર થશે તેમજ આવા પ્રકારના ગુનાઓ આચરનારાઓને પ્રોત્સાહન મળશે વિગેરે વિગેરે.
તમામ પક્ષની દલીલ સાંભળી કોર્ટે જામીન અરજી રદ કરી.
કોર્ટે જામીન અરજી રદ કરવાના કારણોમાં લખ્યું કે વિભૂતિ પટેલ જો એમ કહેતી હોય કે તેણીના બિઝનેસનો ગુપ્ત ડેટા ફરિયાદીએ ચોરી લીધો તો પછી તે બાબત ફરિયાદ તો કરી નથી. આ વાત જામીન ના તબક્કે પહેલી વાર કરે છે તેથી માની શકાય નહીં. કોર્ટ એવું કારણ પણ આપે છે કે આ વિભૂતિ પટેલે આ ગુનામાં જે સક્રિય ભૂમિકા ભજવેલ છે તે જોતા આ આરોપી આ કેસની ટ્રાયલ ચાલશે ત્યારે હાજર રહેશે નહીં તેવી શક્યતા જણાય છે. સમાજ વિરોધી અને સમગ્ર સમાજને અસરકરતા હોય તેવા ગમ્ભીર ગુનાઓ આચરેલ હોય ત્યારે તેવા આરોપીઓને જામીન પર છોડવા માટે વિવેકબુદ્ધિની સતા વાપરી શકાય નહીં.
આમ કોર્ટે ઉપરોક્ત કારણોસર જામીન અરજી રદ કરી.
આનું નામ ન્યાય. સત્યમેવ જયતે.
હવે, હાઇકોર્ટના દ્વાર ખટખટવશે. જોઈએ હવે આગળ શું થાય છે ?