અબડાસા ખાતે આવેલ નલિયામાં ધોળા દિવસે મંદિરમાંથી ચોરી થતાં ચકચાર

અબડાસા ખાતે આવેલ નલિયાના દરબારગઢમાંના મંદિરમાં ધોળા દિવસે તસ્કરી થતાં નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે દરબારગઢમાં મોમાઇ માતાજીના મંદિરની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જેઠુભા ખેંગારજી જાડેજા દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત દિવસે સવારે આઠ વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ મંદિરે દર્શન કરી ઘરે ગયા હતા અને ત્યાર બાદ સાડા દશેક વાગ્યે શ્રીફળ વધેરવા માટે મંદિરે આવતાં માતાજીની મૂર્તિ ઉપર ચડાવેલા છત્તરો પૈકી અમુક ગાયબ જણાયા હતા. મૂર્તિ ઉપર ચડાવેલ છત્તરોની ગણતરી કરતાં બે છત્તર ગાયબ હતા અને માતાજીની મૂર્તિ પાસે નીચે ધૂપદીવા માટે રાખેલા રૂા. 3000 પણ હાજર ન હતા.  બે ચાંદીના છત્તર કિં.રૂા. 1500 અને રોકડા રૂા. 3000 એમ કુલ કિ. રૂા. 4500ના મુદ્દામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ તસ્કરી કરી પલાયન થઈ જતા ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.