ભુજમાં રહેતા વૃદ્ધા પાસેથી લાઇટ બિલ અપડેટ કરવાના બહાને 3.98 લાખ સેરવી લેવાયા

copy image

copy image

ભુજમાં એકલુ જીવન ગાળતા નિવૃત્ત વૃદ્ધા સાથે 3.98 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ વૃદ્ધા સાથે લાઇટબિલ અપડેટ કરવાના બહાને એટીએમ કાર્ડની વિગતો મેળવી અલગ-અલગ તારીખે કુલ મળીને રૂા. 3,98,997 પડાવી લેવામાં આવેલ છે.  આ મામલે આઇયા નગરમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધા પ્રભાબેન કરશનદાસજી ચૂડાસમા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ એકલા રહેતા પ્રભાબેનને ગત તા. 15-11ના ઇલેક્ટ્રિસિટી બિલ અંગે ટેક્સ્ટ મેસેજ આવતાં તેમાં આપેલા નંબર ઉપર ફોન કરેલ હતો જેમાં હિન્દી ભાષામાં બોલતાં શખ્સે લાઇટબિલ અપડેટ કરાવા ક્રેડિટ કાર્ડ કે ગૂગલ-પેથી રૂા. 10 ભરવાનું જણાવ્યુ હતું. તેમની પાસે એટીએમ કાર્ડ હોવાનું જણાવતા તેમણે કાર્ડ નંબર તથા સીવીસી લખાવી લીધા હતા.

આ બાદ રૂા. 10 નાખવા માટે કહેતા પ્રભાબેન  પડોશી દક્ષેશભાઇ પાસે ગયેલ હતા. જેમણે જણાવેલ કે, આ કોલ ફ્રોડ છે, જેથી કોલ કટ કરી દીધો હતો. આ ઘટના બાદ દક્ષેશભાઇએ એસબીઆઇમાં નોકરી કરતા દીપકભાઇ ઠક્કરને એટીએમ કાર્ડ ટેમ્પરરી બ્લોક કરવા માટે ફોન કરેલ હતો અને બીજા દિવસે પ્રભાબેને એટીએમ કાર્ડ કાયમી બંધ કરાવા એસબીઆઇ બેન્કની આરટીઓ સર્કલ પાસેની શાખામાં જઇ ફોર્મ પણ ભરેલ હતો. ત્યાર બાદ તા. 19-11ના તેમનાં ખાતામાંથી રૂા. 49,000 કપાયાનો મેસેજ આવેલ હતો જેથી બીજા દિવસે બેન્કમાં જતાં સામે આવ્યું હતું કે,   તા 15/11 થી 18/11 સુધીમાં અલગ અલગ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂા. 3,98,997 લાખ ઓનલાઇન સેરવી લેવાયા છે. જેથી અજાણ્યા મો.નં. વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.