લગ્નપ્રસંગે શૂટબૂટમાં આવેલ ચોર સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને થયો ફરાર : તમામ ઘટના સીસીટીવીમાં કેદ

લગ્નસિઝન શરૂ થતાની સાથે જ તસ્કરોની ગેર પ્રવૃતિ ચાલુ થઈ ગઈ છે ત્યારે ચાલુ લગ્નમાંથી 23 તોલા દાગીનાની ચોરી થઈ હોવાનો મામલો સામે આવી રહ્યો છે. વલસાડ ખાતે આવેલ ઉમરગામ તાલુકાના નાહુલી ગામના આ મામલામાં એક બાજુ પરિવારજનો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા અને બીજી તરફ સૂટબૂટમાં યુવક આવ્યો અને ઘરેણાં ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગત તા 10 ડિસેમ્બરના વલસાડ ખાતે આવેલ ઉમરગામ તાલુકાના નાહુલીમાં લગ્ન હતા. તે સમયે મહારાજ દ્વારા કન્યાને મંગળસૂત્ર પહેરાવવા મંગળ સૂત્રની માંગણી કરાતાં વર પક્ષ દ્વારા સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લેવા જતા બેગ ગાયબ જણાઈ હતી. બનાવની જાણ થતાં જ ઘરમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવેલ હતી. જેમાં સામે આવ્યું કે, સૂટ બૂટમાં આવેલો ગઠિયો જાનૈયા અને ઘરનાં લોકોની નજર ચૂકવી સોનાનાં ઘરેણાં ભરેલી ટ્રોલી બેગ લઈને નાસ્તો જોવા મળ્યો છે. જેમાં અંદાજિત 23 તોલા સોનાના દાગીના હતા. જ્યારે તમામ લોકો લગ્નની વિધિમાં વ્યસ્ત હતા. તે દરમ્યાન સૂટબૂટ પહેરીને આવેલ શખ્સ રાત્રિના 11.47 કલાકે ટ્રોલી બેગ લઈ ચાલતો થઈ ગયો હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.