ગાંધીધામમાં બંધ મકાનના તાળાં તોડી 3.96 લાખની તસ્કરી થતાં ભારે ચકચાર
ગાંધીધામમાં બંધ મકાનના તાળા તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ એમ કુલ રૂા. 3.96 લાખ પર હાથ સાફ કરી લેવાતા ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સંદીપ નાથન પરમાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના પત્નિ એકાદ અઠવાડીયા અગાઉ પાલનપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયેલ હતા. અને ફરિયાદી નોકરીના કામ અર્થે મુંબઇ ગયેલ હતા. કામ પતાવીને તે પરત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ પહોંચતા ડ્રાઇવરનો તેમને ફોન આવ્યો હતો તેને પોર્ટની ગાડી લેવા ઘર પાસે આવેલ ત્યારે ઘરના તાળા તૂટેલ હાલતમાં હોવાનું ફોન દ્વારા જણાવ્યુ હતું. ફરિયાદીએ ઘરે આવીને જોતાં તેના ઘરના દરવાજાના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઉપરાંત બધા રૂમમાં સરસામાન વેરવિખેર જણાયો હતો. ઘરમાં તપાસ કરતાં તસ્કરોએ રોકડ રૂા. 90,000 અને દાગીના સહિત કુલ 3,96,000ની મત્તા પર હાથ સાફ કર્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.