અંતરજાળમાં 16 વર્ષીય કિશોરી પર સતત બે દિવસ સુધી ગુજાર્યો બળાત્કાર
copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં એક 16 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યા હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેને નશાયુક્ત પીણું પીવડાવ્યા બાદ બળાત્કાર ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. અંતરજાળમાં રહેનાર 16 વર્ષીય એક કિશોરી ગત તા. 6/12ના સાંજના અરસામાં પોતાના ઘરની બહાર બેઠી હતી, તે દરમ્યાન આરોપી શખ્સ ત્યાં ઈકો ગાડી લઈને આવ્યો હતો. તેણે બળજબરીપૂર્વક કિશોરીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો અને બાદમાં નશાયુક્ત પીણું પીવડાવી અને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ કિશોરી ઉપર બે દિવસ બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી ગુમ થતાં તેના સંબંધીઓ પોલીસ મથકે ગયેલ હતા જ્યાં પોલીસ મથક નજીક આ કિશોરી મળી આવેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.