રાપર ખાતે આવેલ પ્રતાપગઢમાં ગેરકાયદેસર જોડાણ મેળવી એક ખેડૂતે કરી રૂા. 1.27 લાખની પાણી ચોરી

રાપર ખાતે આવેલ પ્રતાપગઢમાં ગેરકાયદેસર જોડાણ મેળવી પાણી ચોરી કરનાર એક ખેડૂત વિરુદ્ધ રૂા. 1.27 લાખની પાણી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પ્રતાપગઢ ગામ નજીક માર્ગની બાજુએથી પસાર થતી રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપ લાઇનમાંથી ગેરકાયદેસર જોડાણ મેળવી પાણીની ચોરી કરતા એક ખેડૂત વિરુદ્ધ રૂા. 1,27,737ની પાણી ચોરીની ફરિયાદ ઉઠી હતી. રાપર જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપ લાઇનમાંથી માણાબા, કુંભારિયા, પેથાપર વગેરે ગામોમાં પીવાનું પૂરતું પાણી ન મળતા સરપંચએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી પાણી પુરવઠાની ટીમ દ્વારા આ લાઇનની તપાસ હાથ ધરવામાં આવી હતી, તેવામાં પ્રતાપગઢથી કુંભારિયા-માણાબા તરફ જતી 200 મિ.મી. વ્યાસની પીવીસી પાઇપ લાઇનમાં કોઇએ ગેરકાયદેસર જોડાણ મેળવેલ હોવાની સંભાવના થઈ હતી. આ અંગે વધુ તપાસ કરતાં સામે આવેલ કે, પ્રતાપગઢના એક ખેડૂત આ લાઇનમાં ગેરકાયદેસર જોડાણ મેળવી પોતાની તળાવડીમાં પાણી ભરતો હતો. આ ખેડૂતે દશ દિવસમાં કુલ રૂા. 1,27,737ની પાણી ચોરી કરેલ હતી જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.