આદિપુર બસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન બાબતે રાત્રિના સમયે બે પોલીસકર્મી અને એક મહિલા કોન્સ્ટેબલ ફાળવવા રજૂઆત કરાઈ

આદિપુર શહેરના બસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન બાબતે વિવિધ પ્રશ્નો સામે આવી રહ્યા છે, જેને ઉકેલવા અને અસામાજિક તત્ત્વોને ડામવા મામલે એસ.ટી. વિભાગ દ્વારા પૂર્વ કચ્છ પોલીસવડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, આદિપુર બસ સ્ટેન્ડના પરિસરમાં સાંજ અને રાત્રિના સમયે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. આદિપુરમાં વિવિધ અભ્યાસક્રમની કોલેજ હોવાના પરીણામે આજુબાજુના વિસ્તારમાંથી વિદ્યાર્થિનીઓ બસ મારફતે સફર કરી રહી છે. ભારે ભીડનાં કારણે આ બસ મથકમાંથી ચેઈન અને દાગીના ખેંચવા, પાકિટ ચોરી, સરસમાનની ચોરીના જેવા બનાવો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત અહીંથી વાહનોની ચોરી પણ થવાની ફરિયાદ સામે આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા માટે સાંજના 7થી રાત્રિના 10 વાગ્યા સુધી દરરોજ અહીં બે પોલીસકર્મી અને એક મહિલા કોન્સ્ટેબલ ફાળવવા અંગે એસ.ટી. ડેપોના ટ્રાફિક કંન્ટ્રોલર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.