ગાંધીધામમાં મહાદેવના મંદિરમાંથી ધોળા દિવસે તસ્કરો આખી દાનપેટી જ લઈને ફરાર થઈ ગયા

ગાંધીધામમાં ધોળા દિવસે મહાદેવના મંદિરમાંથી દાનપેટીની ચોરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ ચાવલાચોક સરદાર વલ્લભભાઇની પ્રતિમા નજીક આવેલ મહાદેવના મંદિરમાંથી ધોળા દિવસે ચોર ઈશમો આખી દાનપેટી ચોરીને નાસી છૂટ્યા હતા. માહિતી મળી રહી છે આ સર્વેશ્વર મહાદેવ મંદિરમાં ગત દિવસે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. આ મામલે મંદિરમાં રહેતા અને પૂજાપાઠ કરતા ધનંજયગિરિ ગુરુમહંત દેવેન્દ્રગિરિ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં ફરિયાદી લોકોના દર્શનાર્થે મંદિર ખોલી પૂજાપાઠ કર્યા બાદ મંદિર બહાર બેઠા હતા. ત્યાર બાદ 11 વાગ્યાના અરસામાં પરત મંદિરમાં જતાં મંદિરમાં દાનપેટી ગાયબ જણાતા આસપાસ તપાસ કરાતાં દાનપેટી મળી ન હતી. આ દાનપેટીમાં શ્રદ્ધાળુઓએ નાખેલા રૂા. 5500 હોવાની શક્યતા જણાવાઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.