અમરેલી ખાતે આવેલ જશવંતગઢ ગામમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધા સાથે 60 હજારની ઠગાઈ થતાં ફરિયાદ નોધાઈ

અમરેલી ખાતે આવેલ જશવંતગઢ ગામમાં રહેતા 65 વર્ષિય વૃદ્ધા સાથે 60 હજારની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા 10/12ના રોજ બન્યો હતો. તે દરમ્યાન આ વૃદ્ધા પોતાના ઘરે હતા તે સમયે બે અજાણ્યા ઈસમો ત્યા આવી હેન્ડવોશના પાઉચ વેચવા આવેલ છું તેમ કહી વૃઘ્ધાને ત્રાંબાના તથા ચાંદીના વાસણો ધોઇ આપુ ? તેવું કહી ત્રાંબા, ચાંદીના વાસણા ધોવા આપેલ હતા. તે દરમ્યાન બીજા શખ્સે આવી વૃઘ્ધાને સોના-ચાંદીના દાગીના ધોઇ નવા બનાવી આપવાનું કહી વિશ્વાસમાં લઇ વૃઘ્ધાની સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 1,04,728ની કોઇ ડબ્બામાં મુકી હતી અને ત્યારબાદ એક વાટકામાં નાખી વાટકામાં બંગડી ન દેખાય તેટલી હળદર નાખી વૃઘ્ધાની સોનાની બંગડીઓ ઉપરથી સોનુ ઉતારી લઇ ઓગાળી નાખેલ હતું અને આશરે 6 ગ્રામ જેટલી વજનની બંગડીઓ રહેવા દીધી હતી. 1પ ગ્રામ બંગડીઓમાં રહેલ સોનુ જેની કિંમત રૂ. 60,000નુ ઓગાળી લઇ જઇ વૃઘ્ધા સાથે છેતરપીંડી આચરી હતી. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.