થર્ટી ફર્સ્ટ પાર્ટીની પૂર્વ તૈયારી સ્વરૂપે કરવામાં આવી રહેલી દારુની મોટી હેરાફેરી ઝડપાઈ
copy image

થર્ટી ફર્સ્ટને દારુની હેરાફેરીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે SMCની ટીમે સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલ ટોલ પ્લાઝા પાસેથી દારુ ભરેલ એક ટેન્કરને ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અરવલ્લી અને સાબરકાંઠા થઈને દારુનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી અને હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કેમિકલ ટેન્કરને પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર અટકાવી અને તેની તપાસ કરવામાં આવતા તેમાથી મોટી સંખ્યામાં દારુની બોટલોનો જથ્થો નીકળી આવેલ હતો. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, રાજસ્થાનના બુટલેગરોએ આ દારુને ગુજરાતમાં ઘુસાડવા માટે આ પ્રકારનો પૈતરો અજમાવેલ હતો. મળેલ માહિતી મુજબ ટેન્કરની આગળ એક કાર ચાલી રહી હતી અને તે પોલીસથી બચાવ માટે પાયલોટીંગ કરી રહી હતી. પોલીસે કાર અને ટેન્કર ચાલક સહિત ત્રણ આરોપીઓની અટક કરી લીધી છે.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.