ટ્રકમાં બચકાં પાછળ સંતાડેલો 18.60 લાખનો શરાબ ઝડપાયો
એસઓજીના એએસઆઈ જિવણભાઇ પટેલને મળેલી બાતમીના આધારે પીઆઇ આર.વાય.રાવલે ટીમના માણસો સાથે ગત રાત્રિના અરસામાં સોખડા ગામ નજીક વોચ ગોઠવી હતી. થોડીવાર પછી જ ધમલપર અને રાણપર વચ્ચે ટ્રેલર મળી આવ્યું હતું. જેના ચાલક સહિતનાઓ ફરાર થઈ ગયા હોવાથી મળ્યા ન હતા પોલીસે તાલપત્રી હટાવી તપાસ કરતાં શ્ચોખાના બચકાં જોવા મળ્યા હતા. તેને હટાવી જોતાં તેની પાછળ છુપાવાયેલી અલહ અલહ બ્રાન્ડની ઇંગ્લિશ શરાબની 1680 બોટલો મળી આવી હતી. પોલીસે ટ્રેલરની કિંમત 15 લાખ, ચોખાના 50 કિલોગ્રામના 525 બચકાની કિંમત 10.50 લાખ અને શરાબની કિંમત 18.60 લાખ ગણી કુલ 44 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલક સહિતનાઓમાં અગાઉથી પોલીસ આવી રહ્યાની ગંધ આવી જતાં ટ્રક રેઢો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યુ કે ટ્રક પંજાબ પાર્સિંગનો હતો. પંજાબથી ટ્રકના માલીકનું નામ વગેરે વિગતો મેળવી તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે શરાબ ભરેલા ટ્રક પકડાયા બાદ બહુ જૂજ કિસ્સામાં સપ્લાયરો અને તેનાથી પણ મહત્વના એવ શરાબ મંગાવનાર બુટલેગરો ઝડપાય છે.