શામળાજી પાસે લકઝરીબસમાંથી આગંડિયા પેઢીના ૩૨.૫૪ લાખની લૂંટ ચલાવનાર ગેંગને રાજસ્થાનથી પકડી
શામળાજી : લક્ઝરીબસમાં મુસાફરી કરતાં વ્યક્તિના દાગીના લઈ કારમાં ભાગી જનાર ઇસમોની ગેંગને પોલીસે રાજસ્થાનથી પકડી પાડી છે. પોલીસે આ બનાવમાં મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી. ઉદેપુરથી અમદાવાદ લકઝરી બસમાં આર.સી.પટેલ આંગડિયા પેઢીના કર્મચારી નવારામ બાબારામ ચૌધરી (રહે,મોરલી,રાજ) સોના-ચાંદીના દાગીના ભરેલ થેલા સાથે મુસાફરી કરી રહ્યો હતો. લકઝરી બસ શામળાજી પાસે આવેલી હોટલ સમ્રાટ પાસે ઉભી રહેતા લકઝરી બસમાં સીટ પર થેલો મૂકી નીચે ઉતરતા રેકી કરેલી ગેંગનો સભ્ય લકઝરી બસમાંથી સોના-ચાંદી ભરેલો થેલો (સોનાના દાગીનાના પાર્સલ-૧૦) રૂ. ૩૨,૫૪,૨૧૦ લૂંટ કરી કાળા કલરની સ્કોર્પિયોમાં ગેંગના સભ્યો સાથે ફરાર થઈ ગયો હતો. આંગડિયા પેઢીના કર્મચારીનો થેલો ગુમ થતા શામળાજી પોલીસે સ્ટેશનમાં લૂંટની ઘટનાનો ગુનો લખાવતા શામળાજી પોલીસે લૂંટારુ ગેંગના સાગરીતોએ લૂંટના બનાવમાં વપરાયેલી સ્કોર્પિઓ કાર સીસીટીવી ફુટેજમાં કેદ થતા સ્કોર્પિઓ ગાડીના નંબરના આધારે કાર્યવાહી હાથ ધરી ૯ દિવસમાં રાજસ્થાનના પાલી-સુમેરપુર રસ્તા પરથી સ્કોર્પિયોમાં પસાર થતા માનવેન્દ્રસિહ ઉર્ફે કાલુ ભોપાલસિહ જોધા હાલ રહે દુજાના મુળ રહેલ પાવા તા સુમેરપુર જી પાલી રાજસ્થાન, રવીન્દ્રસિહ મુલસિહ દેવડા રહે મોરડુ તા સુમેરપુર જી પાલી રાજસ્થાન નાઓને ઝડપી લીધેલ અને તેઓની પાસેથી મોબાઇલ નંગ-૩ આ ગુનામાં વપરાયેલી સ્કોરપીયો કાર કિમત રૂ. ૭,૦૦,૦૦૦ તથા તસ્કરીમાં ગયેલ સોના-ચાંદી દાગીના પૈકીના સોના-ચાંદીના દાગીનાઓનો મુદ્દામાલ કિંમત રૂ. ૨૦,૩૩,૧૬૨ નો મુદ્દામાલ જપ્ત કરી આ લૂંટના બનાવમાં સંડોવાયેલા અન્ય ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટિલની માહિતી હેઠળ શામળાજી પીએસઆઈ મેહુલ ચૌહાણ અને તેમના સ્ટાફ અને એલસીબીએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હોટલ શામળાજી નજીક આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેનાર ગેંગને સીસીટીવી કેમેરામાં કેદ થયેલ અને લૂંટના બનાવમાં ઉપયોગમાં લીધેલી સ્કોરપીયો કાર નંબર આરજે 22 યુએ 6064 ના આધારે બાતમીદારો રોકી રાજસ્થાનના પાલી વિસ્તારમાં ધામ નાખી બે ઇસમોને પકડી લીધા હતા. આંગડિયા પેઢીના કર્મચારીની કામગીરી અને મુસાફરીની સંપૂર્ણ જાણકાર હનુવંતસિહ ઉર્ફે હંસા દેવડા (રહે,બાગસીન) તથા રવીન્દ્રસિહ મુલસિહ દેવડા (રહે,મોરડુ ) રાજસ્થાન નાઓએ રેકી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપવા રવીન્દ્રસિહ મુલસિહ દેવડા અને પ્રધ્યુમનસિહ ઉર્ફે છોટુસિહ રાજપુત (રહે,જાવાલ) આંગડિયા પેઢી જે લકઝરીમાં મુસાફરી કરતો હતો તેમાં મુસાફર તરીકે બેસી ગયા હતા ગેંગના અન્ય ત્રણ ઈસમ પરીક્ષીતસિહ ઉર્ફે સેલુ વિક્રમસિહ દેવડા, માનવેન્દ્રસિહ ઉર્ફે કાલુ ભોપાલસિહ જોધા, યુવરાજસિહ ઉર્ફે ગોરધનસિહ મીટુસિહ દેવડાનાઓ બ્લેક કલરની સ્કોરપીયો કાર નં આરજે 22 યુએ 6064 માં બેસી ઉપરોકત લકઝરી બસની પાછળ પાછળ કાળા કલરની સ્કોર્પિઓ કારમાં પીછો કરી રહ્યા હતા. લકઝરી બસ શામળાજી પાસે હોટલ સમ્રાટ પાસે ઉભી રહેતા આંગડિયા પેઢીનો કર્મચારી ચા-પાણી કરવા નીચે ઉતરતા તકનો લાભ લઈ સોનાના દાગીના ભરેલ થેલો લઈ સ્કોર્પિયોમાં બેસી રફુચક્કર થયા હતા શામળાજી પોલીસે ૨ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ અન્ય ત્રણ ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.