જામનગર પાસે વિદેશી શરાબ સાથે ઝડપાયેલા 4 ઇસમો
જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચની સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર રાજકોટ રસ્તા પર એક વર્ના કારમાં અંગ્રેજી શરાબનો જથ્થો જામનગર તરફ રવાનો કરવામાં આવી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીના સ્ટાફે રાત્રિના અરસામાં જામનગર પાસે ફલ્લા ગામના પાટિયા નજીક વોચ ગોઠવી હતી. જે વોચ દરમિયાન જીજે 1 કેજી 2360 નંબરની વર્ના કાર પસાર થતાં તેને આંતરી લઈ તલાશી લીધી હતી. જે તલાશી દરમિયાન કારમાંથી 32 નંગ અંગ્રેજી શરાબની બાટલી અને 20 નંગ બિયરના ટીન આવ્યા હતા. જેથી એલસીબીના સ્ટાફે અંગ્રેજી શરાબ અને બિયરના ટીન તેમજ કાર વગેરે મળી રૂ. 2,65,300ની માલમતા જપ્ત કરી લીધી હતી. જ્યારે કારની અંદર બેઠેલા મુળ ખંભાળિયાનારહેવાસી અને હાલ જામનગરમાં રહેતા રવિ નારાણભાઇ કનારા, હેમત સામતભાઇ, નગાભાઈ જેશાભાઈ કરમુર અને રાજીવ સુરેશભાઇ અઘેડાની અટક કરી બધાને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દીધા હતા.પ્રાથમિક પુછપરછમાં તેઓ જુદા જુદા બારમાંથી શરાબ અને બિયરનો જથ્થો ખરીદ કરીને લાવ્યા હોવાનું કબુલ્યું છે.