નખત્રાણાના અમરગઢ નજીક કાર પલટી જતા બેના મૃત્યુ
નખત્રાણાના અમરગઢ નજીક કાર પલટી જતા બે યુવાનોના મૃત્યુ નિપજ્યાં હતા. લોરિયા અને ભુજના યુવકોનાં મૃત્યુથી પરિવારજનોમાં શોખનો માહોલ થયો છે. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. નખત્રાણાની પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા પાસે અમરગઢ ગામે સર્જાયેલાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મૃત્યુ નીપજ્યાં છે. તો, અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે હતભાગીઓ અન્ય પરિચિતો સાથે ઈન્ડિકા કારમાં લોરિયા ગામથી દેશલપર ગુંતલી તરફ લગ્નમાં જતા હતા. ત્યારે અમરગઢના પુલીયા પર કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં ભુજના જેષ્ઠાનગરમાં રહેતા મહેશ શાંતિલાલ પોકાર (ઉ.વ.30) અને લોરિયા ગામના શિવુભા હેમરાજજી જાડેજા (ઉ.વ.22)ના મૃત્યુ નીપજ્યાં હતા. બંનેને અતિગંભીર હાલતમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લવાયાં હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. ઘટના અંગે પોલીસે ઝીણવટભરી તજવીજ શરૂ કરી છે.