અરવલ્લી એલ.સી.બીએ શામળાજી પાસે કારમાંથી અમદાવાદના બુટલેગરે મંગાવેલ ૯૬,000 નો દારૂ પકડ્યો
અરવલ્લી : શામળાજી પાસે આવેલી રાજસ્થાનને અડીને આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી રાજ્યના અને પરપ્રાંતીય બુટલેગરો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી દારૂબંધીના લીરેલીરા ઉડાડી રહ્યા છે. અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાતમી મળતા શામળાજી આશ્રમ ચોકડી પાસેથી પસાર થતી ટાટા એરેના કારમાંથી ૯૬,000ના વિદેશી દારૂ સાથે અમદાવાદ મોઢેરાના સંદીપ રાજુભાઈ ખાતરી નામના ઈસમને પકડી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. હોળી-ધુળેટીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને જીલ્લા એલસીબી પોલીસે શામળાજી પાસે સઘન પેટ્રોલિંગ હાથ ધરાતા બાતમીના આધારે શામળાજી-ટીંટોઈ રસ્તા પર આશ્રમ ચોકડી પાસેથી પસાર થતી ટાટા એરેના કારને રોકી તલાસી લેતા કારના પાછળના ભાગે સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ ૨૪૦ કિંમત રૂ. ૯૬,૦૦૦ કબ્જે કરી કારચાલક સંદીપ રાજુભાઈ ખત્રી (રહે,પાશ્વનાથ એટલાન્ટિસ ફ્લેટ, પામ-સી ફ્લેટ નં ૨૦૪, મોઢેરા ચાંદખેડા ને પકડી પાડી કારની કિંમત .રૂ. ૨,૦૦,૦૦૦ તથા મોબ.નં-૧ કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૨,૯૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદ હીરાવાડી, બાપુનગર પાસે ફ્લેટમાં રહેતા પટેલ નામના બુટલેગર અને કારમાં વિદેશી દારૂ ભરી આપનાર વિછીવાડા (રાજ) ના લુકા નામના ઈસમ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.