ભુજ એન્જિનિયરિંગ કોલેજ ક્વાર્ટર્સના 6 મકાનમાં તસ્કરી
ભુજ શહેરની ભાગોળે એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં એક સાથે 6 મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં ચાર ઘરમાંથી રોકડ તથા ઘરેણા સહિત કુલ રૂ. 1,54,000ની મતાની ચોરી કરી અને પોલીસ તથા કોલેજ સિક્યોરીટીને તથા સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરો ઘટનાને અંજામ આપી નાસી જતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી અને અજાણ્યા તસ્કરોની કાર્યવાહી હાથ ધરી છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રકાશભાઈ વલ્લભભાઈ મરિયાણીએ લખાવેલી ફરિયાદ મુજબ રાત્રિના અરસામાં ચાર બુકાનીધારીએ તરખાટ મચાવ્યો હતો. કોલેજ કેમ્પસમાં ક્વાર્ટર્સ નં 8 ઇ ના બ્લોકમાં તથા અન્ય એક બ્લોકમાં મળીને કુલ છ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાંથી ચાર ઘરોમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. મુખ્ય દરવાજના તાળાં તોડીને કબાટના લોક ખોલીને સોના-ચાંદીના ઘરેણાં તથા રોક્ડ રૂ. 34,000 સહિત કુલ રૂ. 1,54,000 ની મતાનો સફારો કર્યો હતો. આ ઉપરાંત તસ્કરો ઘરમાંથી ઘડિયાળ તથા ચશ્મા પણ કેટલાક ઘરોમાંથી ચોરી કરી ગયા હતા. ઘટન અંગે પોલીસે અજાણ્યા ચાર ઇસમોઓ જે સીસીટીવી કેમેરામાં બુકાની બાંધીને ફરી રહ્યા હોવાનું દેખાતા તેમની વિરૂધ્ધ તસ્કરીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.