થરાદ કોલેજ પાસેથી શરાબ ભરેલી કાર પકડાઈ
થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓ વિજયભાઇ કરશનભાઇ તથા અશોકભાઇ સજાભાઇને પીલુડા તરફથી સ્વીફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો આવતો હોવાની અને ભાભર તરફ જનાર હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે થરાદ ચાર રસ્તા નજીક નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. દરમ્યાન ઉપરોક્ત નંબરની કાર આવતાં પોલીસે ખાનગી વાહનની આડાશ કરી તેને ઉભી રહેવા ઇશારો કરતાં ચાલકે ભાભર તરફ જતા રોડે ભગાવી હતી. આથી પોલીસે તેનો પીછો કરતાં એકાદ કિમી દુર કોલેજ પાસે કાર મુકીને તેમાંથી બે ઇસમો ઉતરીને બાવળોની જાડીમાં નાસી ગયા હતા. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી શરાબની ૧૬ પેટીમાં રહેલો ૧૯૨ બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૯૬,૦૦૦નો શરાબ તથા ૧.૫૦ લાખની કાર મળીને ૨,૪૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તજવીજ હાથ ધરી હતી.