વાગરા પોલીસે ચાર કેબલ ચોરોને રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા
જી.ઇ.બી ના એલ્યુમિનિયમ વાયરના 225 કિલોગ્રામ વજનના 9 બંડલો, ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી હતી. વાગરા પોલીસે બાતમીના આધારે ચાર કેબલ ચોરોને પકડી પાડ્યા હતા. એલ્યુમિનિયમના તારના નવ બંડલ સહિત છોટા હાથી ટેમ્પો સહિતનો બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. વાગરા પોલીસના સ્ટાફે ગત રોજ મધ્યાન કાળે થાણા બીટ વિસ્તારમા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે આશરે બપોરના અરસામાં પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ ઝાલાને બાતમી મળી હતી કે સફેદ કલરનો છોટા હાથી ટેમ્પો નંબર જીજે ૧૬ એયુ ૪૦૭૨ માં એલ્યુમિનિયમના તાર ભરી સાયખા ગામથી કોઠીયા તરફ આવી રહ્યો છે. જેથી પોલીસ સ્ટાફ કોઠીયા ગામના બસ સ્ટોપ પર વોચમાં ગોઠવાઈ ગઇ હતી. તેવામાં સામેથી આવી રહેલ છોટા હાથીને પોલીસ જવાનોએ રોકી તલાશી લેતા પૂંઠા નીચે સંતાડેલ જી.ઇ.બી ના એલ્યુમિનિયમ વાયરના 225 કિલોગ્રામ વજનના 9 બંડલો નજરે પડયા હતા. સાથે વાયર કાપવાના બે કટર ઉપરાંત લોખંડની બે પાઈપો મળી આવી હતી. વધુમાં નાની તેમજ મોટી મળી કુલ 7 નંગ હેલોજન ફ્લડ લાઈટો મળી આવી હતી. સદર વસ્તુઓના ટેમ્પો ચાલક પાસે આધાર પુરાવા તેમજ દસ્તાવેજોની માંગણી કરતા તે મળી આવ્યા ન હતા. જેથી પોલીસે વધુ પૂછપરછ કરતા ટેમ્પોમાં સવાર શખ્સો સંતોષકારક જવાબ આપી નહીં આપતા પોલીસે સી.આર.પી .સી 102 મુજબ વાયર તેમજ ટેમ્પો સહિતના મુદ્દામાલ જેની કિંમત 2,37,120 જપ્ત કર્યો હતો. ટેમ્પો ચાલક મોહન ઉર્ફે વિજય ભજુરામ મદેસિયા હાલ રહે ગડખોલ પાટિયા,મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ તેમજ ઈબ્રાહીમ મુસાભાઈ વોરા પટેલ રહે,ખોજબલ તાલુકા વાગરા ઉપરાંત વિષ્ણુ રામદી નીસાદ હાલ રહે,ખોજબલ મૂળ રહે ઉત્તરપ્રદેશ ઉપરાંત વાહીદ ઉર્ફ કેદાર ગાદુરઅલી હાલ રહે ખોજબલ મૂળ રહે ઉત્તરપ્રેશનાઓની પોલિસે ૪૧-૧- ડી મુજબ ધરપકડ કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.