અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે બનેલા હિટ એન્ડ રન કેસનો શખ્સ પકડાયો
અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે ચાર વ્યક્તિઓને અડફેટમાં ફરાર થઇ જનાર હિત એન્ડ રન કેસના શખ્સને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે પકડી પાડ્યો છે. અકસ્માતના બનાવમાં ૨ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. બે મહિના આગાઉ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે આવેલ હરિદર્શન સોસાયટીની સામા એક ફોરવ્હીલ ચાલક ચાર વ્યક્તિઓને અડફેટમાં લઇ ભાગી ગયો હતો જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. હિટ એન્ડ રનના આ ચકચારી કેસમાં ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે કાર્યવાહી કરી હતી. જેમાં બાતમીના આધારે એલ.સી.બી.એ મૂળ અંકલેશ્વર તાલુકાના નવા કસીયાના અને હાલ અંદાડા ખાતે ચાણક્ય નગરમાં રહેતા કલ્પેશ કાલિદાસ પટેલની પુછતાછ હાથ ધરી હતી. શરૂઆતમાં કલ્પેશ પટેલે ગલ્લા-તલ્લા કરતા પોલીસે કડક હાથે પુછતાછ કરતા આખરે કલ્પેશ પટેલે ભાંગી પડી અકસ્માતનો ગુનો કબૂલ કર્યો હતો. જેના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે કલ્પેશની અટક કરી સેન્ટરો કાર કે જેના વડે અકસ્માત થયો હતો તે કાર નંબર જીજે ૦૧ બીકે ૮૬૬૪ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.