ભુજ ખાતે યોજાયેલી કચ્છ જિલ્લા આયોજન મંડળની વર્ષ ૨૦૨૪-૨૫ની બેઠકમાં રૂ.૧૫૪૧.૯૯ લાખના ૭૧૧ વિકાસ કામોને બહાલી અપાઇ

આયોજન મંડળના ઉપાધ્યક્ષશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૪-૨૦૨૫ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ભુજ ખાતે યોજાઇ હતી.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ બાકી કામો તથા નવા આયોજનના કામોને સમયમર્યાદામાં ગુણવત્તાયુકત તેમજ સ્થાનિક પદાધિકારી તથા ધારાસભ્યો સાથે સંકલન સાધીને પૂર્ણ કરવા તાકીદ કરી હતીઆ બેઠકમાં ૨૦૨૧-૨૨ વર્ષ થી વર્ષ ૨૦૨૨-૨૪ સુધીના મંજૂર થયેલા, શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ તમામ જોગવાઈના કુલ રૂ।. ૧૫૪૧.૯૯ લાખના કુલ ૭૧૧ વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
જેમાં ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર તરફથી ફાળવવામાં આવતી વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂનતમ જરૂરિયાતના કામો જેવા કે, ગ્રામ્ય એપ્રોચ રોડ નગરપાલિકાના રસ્તા, પ્રાથમિક શાળાના ઓરડા તેમજ કમ્પાઉન્ડ વોલ, મધ્યાન ભોજન યોજનાના શેડ, શૌચાલય બ્લોક, પ્રાથમિક આરોગ્યના કામો, પાણી પુરવઠાના બોર પાઇપલાઇનના કામો, ગ્રામ્ય વીજળીકરણના કામો, આંગણવાડીના કામો તેમજ ગટર વ્યવસ્થાના કામો વગેરે મંજૂર કરવામાં આવે છે. ઉપરાંત વનીકરણ, ખેતી વિકાસ, ભૂમિ સંરક્ષણ, પશુપાલન, દવાખાનના કામો તેમજ અન્ય સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે.આ કામો બાબતે ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, પ્રધ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા તેમજ તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજુર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆતો કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ સબંધિત અમલીકરણ અધિકારીઓ પાસેથી આ કામો અંગે વર્તમાન સ્થિતિ જાણી કામો ત્વરીત પૂર્ણ કરવા સૂચના આપી હતી તેમજ જરૂર પડે એ અંગેની રજૂઆત અત્રેની કચેરીએ કરવા જણાવ્યું હતું. આ કામો ઝડપભેર પૂર્ણ કરવા ઉપાધ્યક્ષશ્રીએ ખાસ સૂચના આપી હતી. આ વિકાસ કામો અંગે આયોજન અધિકારીશ્રી જે.કે.ચાવડાએ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જે પૈકી ૧૫ ટકા વિવેકાધીન તેમજ ૫ ટકા પ્રોત્સાહક હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫માં મળનાર ગ્રાન્ટ માટે જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા કુલ-૧૨૭૪.૯૯ લાખની રકમના કામોની દરખાસ્તો રજૂ થયેલ હતી. આજની જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠકમાં કુલ-૬૨૪ કામો રૂ।.૧૨૬૯.૪૯ લાખના મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકાવાર મંજૂર કરવામાં આવેલ આયોજનની વિગતો નીચે પ્રમાણે છે.
ભચાઉના ૫૪ કામ રૂ.૧૨૫ લાખના, લખપતના ૬૩ કામ રૂ. ૧૨૫ લાખના, અંજારના ૫૧ કામ રૂ.૧૨૪.૯૯ લાખના, ગાંધીધામમાં રૂ. ૧૦૦ લાખના ૩૦ કામ, રાપરમાં ૧૨૧ લાખના ૬૪ કામ, ૬૫ કામ મુંદરામાં રૂ.૧૨૫ લાખના, નખત્રાણામાં ૧૦૭ કામ, રૂ.૧૫૦ લાખના, ભુજમાં ૬૫ કામ રૂ. ૧૫૦ લાખના, અબડાસામાં રૂ.૧૪૮.૫૦ લાખના ૮૮ કામો, અને માંડવીના રૂ.૧૨૫ લાખના ૫૫ કામો થઇ ૧૫ ટકા વિવેકાધિન તથા ૫ ટકા પ્રોત્સાહક ગ્રાન્ટના કુલ રૂપિયા ૬૨૪ કામો મંજુર કરવામાં આવ્યા છે. તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ઉત્કર્ષ માટેના ખાસપ્લાન યોજના હેઠળના કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ સાથે જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રતિ નગરપાલિકા દીઠ રૂ।.૨૫ લાખ લેખે સાત નગરપાલિકાના રૂ।.૨૦૦ લાખના કુલ ૨૮ કામો મંજૂર કરવામાં આવ્યા .રાજ્ય સરકાર તરફથી મળતી બક્ષીપંચની ગ્રાન્ટમાંથી રૂ।.૫૦ લાખના કુલ ૨૧ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.બેઠકમાં વિકાસ વાટિકા પુસ્તિકાનું ઉપસ્થિત પદાધિકારીઓશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આયોજન કચેરીના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.