ભારતનગરના બંધ ઘરમાંથી તસ્કરોએ 1.60 લાખની તસ્કરી કરી આગ લગાડી
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં બંધ ઘરમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડ, દાગીના સહિત કુલ 1.60 લાખની ચોરી કરીને કબાટમાં આગ લગાવી દીધાની ઘટના બની હતી. પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધીને તજવીજ આદરી હતી. ગાંધીધામના એ ડિવીઝન પોલીસ સ્ટેશને વોર્ડ 11ના ભારતનગરમાં રહેતા પ્રકાશભાઈ જશરાજ સરીયાણાએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યુ હતુ કે બુધવારના અરસામાં તેઓ અને તેમના પત્ની બંને બહાર પોતાના કામથી ગયા હતા ત્યારે બંધ મકાનમાં પાછળના દરવાજે કોઇએ પ્રવેશ કરીને કબાટમા રાખેલા 35,૦૦૦ રોકડ અને 1.25 લાખના સોનાના દાગીનાની તસ્કરી કરી કરાઈ હતી. તસ્કરોએ આટલેથીન અટકીને કોઇ રીતે કબાટમાં આગ પણ લગાડી દીધી હતી, ત્યારબાદ આગની જ્વાળાઓને કાબુમાં લાવવા ફાયરબ્રીગેડની મદદ પણ લેવી પડી હતી. આ બાબતે તપાસનીસ અધિકારી પીએસઆઈ એલ.એલ. ચાવડાનો સંપર્ક સાધતા તેમણે આગથી કેટલાક કપડા સહિતનો જથ્થો સળગી ગયાનું અને હજી કાર્યવાહી ચાલુ હોવાથી ચોરીની ઘટના કે આગ લાગવા પાછળનું કારણ પણ સ્પષ્ટ ન હોવાનું જણાવ્યુ હતુ.