શાહીબાગમાં રક્ષાશક્તિ યુનિ. પાસે બે મહિલાનાં ગળામાંથી ચેઈનની ચીલઝડપ

અમદાવાદ : જો તમે શહેરમાં રાતે સોનાના દાગીના પહેરીને ટુ-વ્હીલર પર કે ચાલતાં જતાં હો તો સાચવજો. ચેઈન સ્નેચરો હવે ગમે તે સમયે ત્રાટકે છે. શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્ને‌ચિંગનાં બનાવ ઉત્તરોત્તર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને ઝડપવા માટે લાચાર બની છે. શહેરમાં ચેઇન સ્નેચરોએ હદે બેખોફ થઇ ગયા છે અને તે ગમે ત્યાં આવા બનાવને અંજામ આપે છે. શહેરનાં શાહીબાગ વિસ્તારમાં આવેલા એક જ પોલીસ સ્ટેશનમાં બે ચેઇન સ્નેચિંગની ફરિયાદ દાખલ થઇ છે, જેમાં માત્ર અડધો કિલોમીટરના અંતરે બે ચેઇન સ્નેચિંગની ઘટના ઘટી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલ ઓમ વીલા ટાવરમાં રહેતાં આનંદીબહેન રાઠોડ (ઉ.વ.પર) તેમના પરિવાર સાથે રહે છે. આનંદીબહેન અસારવા ખાતે યુએન મહેતા હોસ્પિટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવે છે અને તેમનાં પતિ આણંદ ખાતે આવેલ હનુમાનપુરા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ છે. રાત્રના અરસામાં આનંદીબહેન અને તેમના પતિ જમીને ચાલવા માટે નીકળ્યા હતા. ચાલતાં ચાલતાં રક્ષાશક્તિ યુનિવર્સિટી પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમની પાછળથી બાઈક પર એક ઈસમ આવ્યો હતો. બાઇકચાલક તેમની પાસે આવીને બાઈક ધીમું કરીને આનંદીબહેનના ગાળામાં રહેલો સોનાનો દોરો રૂ. ૩પ,૦૦૦નો તોડીને ઓમ ટાવર તરફ ભાગી ગયો હતો. જ્યારે આ વિસ્તારમાં થોડે આગળ આ ઈસમ બીજી એક મહિલાની ચેઇન તોડીને ભાગી ગયો હતો. પારુલબહેન શાહીબાગમાં આવેલ અનાજ ગોડાઉનની ચાલીમાં રહે છે. પારુલબહેન રક્ષાશક્તિ યુનિવ‌િર્સટીથી થોડે આગળ ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યારે બાઇક પર આવેલ ઈસમ તેમના ગળામાંથી ર૦,000 રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી છૂટયો હતો. શાહીબાગ પોલીસે આ અંગે ચેઇન સ્નેચર વિરુદ્ધમાં બે ગુના નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે તમામ વિસ્તારમાં ચેઇન સ્નેચરોને ઝડપવા માટે સર્વેલન્સ ચાલુ કર્યું હતું. ચેઇન સ્નેચરોને ઝડપવા માટે બનાવેલ હોક સ્કવોડ પણ કાર્યરત છે તેમજ અલગ અલગ ગાર્ડન અને મોર્નિંગ વોકનાં સ્થળે નાઇટ ડ્રેસમાં ખાનગી રીતે ગોઠવાઇને ચેઇન સ્નેચર પર નજર રાખવાનું શરૂ કર્યું હતું તેમ છતાં ચેઇન સ્ને‌ચિંગનાં બનાવ બની રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *