મોરબીનાં યુવાન સહિત પાંચ લોકો સાથે રૂ.1.82 કરોડની ઠગાઇ
મોરબીના લીલાપર ગામના પટેલ યુવાનને ઓએનજીસીમાં નોકરી અપાવવા તેમજ અન્ય ચાર લોકોને વિદેશમાં રોકાણ કરી ધંધો કરવા અને જમીન નામે કરાવી દેવાની લાલચ આપીને અમદાવાદના પટેલ પરિવારે ૧.૮૨ કરોડની ઠગાઇ આચરી હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવતા ચકચાર મચી છે. ઘટનાની મળતી વિગતો પ્રમાણે, મોરબીના લીલાપર ગામનો રહેવાસી જીગર કાન્તીભાઇ ધાનજા બીએસસી ટીવાયમાં અભ્યાસ કરે છે, જેણે આરોપી પુજા મુકેશભાઇ પટેલ, મુકેશભાઇ જેઠાભાઇ પટેલ, યશ ઉર્ફે નિસર્ગ ઉર્ફે રાજા મુકેશભાઇ પટેલ અને હંસાબેન મુકેશભાઇ પટેલ (રહે. બધા ૭૩ – માધવ હોમ્સ, એકલવ્ય સ્કૂલ પાસે, વસ્ત્રાલ, અમદાવાદ) એમ એક જ પરિવારના ચાર સભ્યો વિરૂધ્ધ તેના સહિતના પાંચ લોકો સાથે ૧,૮૨,૦૦,૦૦૦ ની ઠગાઇ આચરી હોવાની ફરિયાદ લખાવી છે. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી યુવાનને માર્ચ – ૨૦૧૮ માં તેના કુટુંબી મામા જીતેન્દ્ર વાઘજીભાઇ વસિયાણી (રહે. મોરબી કન્યા છાત્રાલય રોડ) એ તેના વેવાઇ મુકેશભાઇ પટેલને ઓએનજીસી કંપનીમાં કોન્ટેક છે, જો નોકરીમાં લાગવું હોય તો વાત કુરૂં તેમ કહ્યું હતું. જેથી યુવાને હા પાડતા ઈસમ મુકેશભાઇ સાથે કોન્ટેક કરાવ્યો હતો. ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને ઈસમએ તા. ૭-૩ ના રોજ ફોન પર ૫ લાખ મોકલી માંગ્યા હતા અને ત્યારપછી તા. ૨૫-૩ ના રોજ ૩ લાખ લઇ રૂબરૂ બોલાવ્યા હતા. ત્યારપછી એક લાખ મંગાવાયા હતા અને પછી ૧,૮૦,૦૦૦ આપ્યા હતા. જયારે ૨૮-૫ના રોજ ૧ લાખ અને ૫-૭ ના રોજ ૧,૫૦,૦૦૦ મળીને કુલ ૧૫,૭૫,૦૦૦ રોકડા તેમજ મમ્મીના સોનાના દાગીના ૨૫ તોલા કિંમત રૂ. ૬,૨૫,૦૦૦ સહિત કુલ ૨૨લાખની રકમ તેની પાસેથી પડાવી લીધી હતી. પણ નોકરી અપાવી નહોતી. તે ઉપરાંત ફરિયાદીના મામા જીતેન્દ્રભાઇના દિકરા સીશીલને ઈસમની દિકરી પૂજા સાથે કેનેડા ધંધા માટે મોકલવો છે કહીને ૪૦ લાખની સગવડ કરવાનું કહ્યું હતું. જેથી મામાએ ૪૦ લાખની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ હજુ સીશીલને કેનેડા મોકલ્યો નથી. વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, ઈસમએ ઇશ્વરભાઇ લાલજીભાઇ કાલરીયા, રોહિતભાઇ ભગવાનજીભાઇ વસાણીયા અને લલીતભાઇ હરજીવનભાઇ ફેફર ને જમીન તેઓના નામે કરાવી આપવાના બહાને કુલ ૧,૨૦,૦૦,૦૦૦ ની ઠગાઇ કરી હતી. જેના આધારે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.