જામનગર ટેન્કરે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માતમાં બેનાં મૃત્યુ
જામનગરના ખીજડિયા ગામના પરિવારના ત્રણ સભ્યો ચોટીલામાં શ્રીમંત પ્રસંગ પતાવી રાત્રીના અરસામાં જામનગર પાછા જઇ રહ્યાં હતા. તે દરમિયાન ચોટીલા હાઇવે પર ગુંદાળા ગામના પાટીયા નજીક પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાન અને તેમની ભાણીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે બાઇકચાલકના કાકાને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જામનગરના ખીજડીયા ગામના દિપક અશોકભાઈ મકવાણા તેમની ભાણી અને કાકા દિલીપભાઈ ડાયાભાઇ મકવાણા સાથે મંગળવારે ચોટીલા શ્રીમંતના પ્રસંગમાં આવ્યા હતા. ચોટીલામાં રહેતા સગા રમેશભાઈ બોરીચાની દિકરીનું શ્રીમંત પ્રસંગ હોવાથી ચોટીલાથી સનાળા વનાળા શ્રીમંતના પ્રસંગમાં ગયા હતા. જેમાં ચોટીલામાં જ રહેતા દિલીપભાઇના ભત્રીજા હિરલભાઇ ત્યાં સનાળા વનાળા રોકાઇ ગયા હતા જ્યારે બાકી પરિવાર સાંજના અરસામાં ચોટીલા પાછા આવી ગયા હતા. દિલીપભાઇએ ભત્રીજા હિરલને ફોન પર વાત કરીને જણાવ્યું કે અમો ખીજડિયા જવા માટે નીકળીએ છીએ. અને ત્યારપછી બાઇક પર ભત્રીજા દિપક અને ભાણી વિશ્વા સાથે નીકળ્યા હતા તે દરમિયાન ગુંદાળા ગામના પાટીયા નજીક પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકને ટક્કર મારતા ત્રણેય બાઇક પરથી નીચે પટકાયા હતા. જેમાં દિપક મકવાણા અને વિશ્વાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે દિલીપભાઇને ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ ચોટીલા અને ત્યારપછી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ બનાવ અંગે જાણ થતા બામણબોર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ટેન્કર ચાલકને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.