અમદાવાદ : ઓઢવમાં યુવકની તીક્ષ્‍‍ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા

અમદાવાદ :  ઓઢવમાં આવેલ ભુવાલડી નજીક ગત રાત્રિના અરસામાં કોઇ શખ્સ યુવકની કરપીણ હત્યા કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોઈ કારણસર યુવકની માથામાં બોથડ પદાર્થ મારી તેમજ તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. નિકોલ પોલીસે હાલ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તજવીજ શરૂ કરી છે. ઓઢવમાં મોતી ભગતની ચાલીમાં રહેતા શેતાનભાઈ વણજારાએ નિકોલ પોલીસમાં હત્યાની ફરિયાદ કરી છે કે તેમની પાડોશમાં વર્ષોથી તેજાજી વણજારા (ઉં.વ.૪૦) રહે છે. તેજાજીનાં માતા-પિતાનું ચાર વર્ષ પહેલા નિધન થતાં તેઓ એકલવાયું જીવન જીવતા હતા અને છૂટક મજૂરી કરતા હતા.  શેતાનભાઈના મામાના દીકરાનો સવારના અરસામાં ફોન આવ્યો હતો કે તેજાજી બેભાન હાલતમાં ભુવાલડી મેઇજ પ્રોડક્ટની પાછળ ખાડામાં પડ્યા છે. હત્યાના સામાચાર સાંભળીને શેતાનભાઈ ઘટનાસ્થળે પર દોડી ગયા હતા. જ્યાં તેજાજી લોહીથી લથપથ હાલતમાં ખાડામાં પડ્યા હતા. તેજાજી પર કોઈ અજાણ્યા શખ્સે માથામાં બોથડ પદાર્થ મારી અને તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરતાં તે બેભાન હાલતમાં ખાડામાં પડ્યા હતા, જોકે શેતાનભાઈએ ઇજાગ્રસ્ત તેજાજીને તાત્કા‌લીક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *