યુરો કંપની પાસે કાર અડફેટે યુવાન બાઇક સવારનું મૃત્યુ
ભચાઉ દુધઇ રસ્તા ઉપર બેફામ ગતિએ જઇ રહેલા ડસ્ટરના ચાલકે બાઇક સવાર યુવાનને અડેફેટે લેતાં ગંભીર ઇજાઓ થવાથી તેનું મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ અંગે ભચાઉ તાલુકાના બંધડી ગામે રહેતા અને ખેતી કરતા 55 વર્ષીય કાનાભાઇ ખેંગારભાઇ ચાવડાની ફરિયાદને ટાંકી ભચાઉ પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજના આરસામાં તેમનો યુવાન ભત્રીજો હરીભાઇ કાયાભાઇ ચાવડા પોતાની જીજે 12 બીએમ 6435 નંબરની બાઇક લઇને જઇ રહ્યો હતો તે દરમિયાન યુરો કંપની સામે પુરપાટ જઇ રહેલા એચઆર 13 જે 3748 નંબરની ડસ્ટરના ચાલકે તેને અડફેટે લેતાં તે ફંગોળાયો હતો અને ગંભીર ઇજાઓ થવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. ભચાઉ પોલીસે ડસ્ટરના ચાલક વિરૂધ્ધ આઇપીસીની કલમ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભચાઉથી ભુજ તરફ જતા દુધઇ રસ્તા ઉપર નર્મદા દ્વારા ચાલતા કામોનો મલબો, રસ્તાઓના કામોની અધુરાશ તેમજ વાહન ચાલકોની કબુમાં ન આવે તેવી ઝડપને કારણે આ રસ્તા પર ભચાઉ પાસે અનેક જીવલેણ અકસ્માત સર્જાઇ ચુક્યા છે તેમ છતાં આ રસ્તા પર અકસ્માતો નિવારવા કોઇ ઠોસ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી એ કાર્યવાહીનો વિષય છે, અત્યારે તો વધુ એક યુવાનના મૃત્યુથી વધુ એક પરીવાર શોકમાં ગરકાવ થયા છે.