છાપી પાસે દારૂ ભરેલ કારને નડ્યો અકસ્માત : પોલીસે દારૂ સહિત ૨ ,૬૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
છાપી પાસે આવેલા મહેંદીપુરાના પાટિયા નજીક રવિવારના ગત સાંજના અરસામાં પાલનપુર તરફ જતી એક કારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત થયો હતો. કારમાંથી ગેરકાયદેસર દારૂ ભરેલ હોઈ પોલીસે ચાર પેટી દારૂ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. જોકે, કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો પાલનપુર મહેસાણા રસ્તા ઉપર વડગામના છાપી પાસે આવેલા મહેંદીપુરા રસ્તા ઉપર સિધ્ધપુર તરફથી આવતી એક કાર ગેરકાયદેસર દારૂ ભરીને પાલનપુર તરફ જતી હતી તે દરમિયાન કોઈક અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરતા કારની ડીકીમાંથી ચાર પેટી દારૂ કિંમત રૂ. ૧૯,૨૦૦ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂ. ૨,૬૯,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ કાર ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવા સાથે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી. સૂત્રો દ્રારા મળતી વિગતો અનુસાર અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચે તે પૂર્વે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને કારમાં દારૂ હોવાની જાણ થતાં લોકો દારૂની પેટીઓ સહિત બોટલો લૂંટીને ભાગી ગયા હતા. જેથી પોલીસે દારૂની લૂંટ કરનાર શખ્સોની પણ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.