ડમરાળા ગામે બે મકાન અને બે કારખાનાના તાળા તોડી ચોરી
ગારિયાધાર તાલુકાના ડમરાળા ગામે ધુળેટીના દિવસે તસ્કરોએ તરખાટ મચાવી બે રહેણાંકી મકાન બે હિરાના કારખાનાના તાળા તોડી તસ્કરી કરી હતી જ્યારે એક ઘરમાં પાર્ક કરેલ બાઈક પણ ન છોડી તસ્કરો ચોર ગયા હતા. એક જ રાત્રિમાં ચાર ચાર તસ્કરીના બનાવને લઈ ગ્રામજનો ગારિયાધાર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગારિયાધાર તાલુકાના ડમરાળા ગામે રહેતા હરેશભાઈ લીંબાભાઈ બરવાળિયાએ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમોએ ફરિયાદ લખાવી જણાવ્યું હતું કે ગત રાત્રિના અરસા દરમિયાન તેઓના રહેણાંકી મકાનના ફળિયામાં પાર્ક કરેલ બાઈક તેમજ ગામમાં રહેતા જીતુભાઈ નારણભાઈ ભડિયાદ્રાના હિરાના કારખાનુ તેમજ બાબુભાઈ જીણાભાઈ ધડુકના હિરાના કારખાનાના અજાણ્યા ઇસમોએ તાળા તોડી કાચા હિરાની ચોરી હતી. જ્યારે હાલ સુરત ખાતે રહેતા વિઠ્ઠલભાઈ વશરામભાઈ પરમાર અને ભરતભાઈ બાબુભાઈ પ્રજાપતિના બંધ ઘરના તાળા તોડી તસ્કરીનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા. એક જ રાત્રિમાં ચાર ચાર તસ્કરીના બનાવને લઈ ડમરાળા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અને ગ્રામજનો ગારિયાધાર પોલીસ સ્ટેશન દોડી આવી રજૂઆત કરી હતી. ઉક્ત તસ્કરીના બનાવ અનુસંધાને ગારિયાધાર પોલીસે અજાણ્યા ઇસમો વિરૃધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર તપાસ હાથ ધરી છે.