સયાજીવિહાર ક્લબમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૩.૮૫ લાખના વાસણો ચોરી ગયા
રાજમહેલ રોડ વિસ્તારમાં આવેલી સયાજી વિહાર ક્લબમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૩.૮૫ લાખની કિંમતના સાધનો ચોરી ગયા હોવાની ફરિયાદને આધારે નવાપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પાણીગેટ ઉદ્યોગનગરમાં રહેતા સંજય વસંતલાલ શાહે પોલીસને કહ્યું છે કે, ગઇ તા.૨૦મીએ બપોરના અરસામાં સયાજીવિહાર ક્લબ બંધ કરી હતી અને સવારના અરસામાં કર્મચારી પહોંચ્યો ત્યારે તસ્કરીના બનાવની જાણ થઇ હતી. તસ્કરો મેઇન ગેટ અને વાસણોની રૂમના તાળાં તોડી અંદરથી ૧૫ મોટા અને ૩૦નાના તપેલા તેમજ ૮ મોટી અને ૭ નાની કથરોટ મળી કુલ રૂ. ૩.૮૫ લાખની કિંમતના વાસણો લઇ ગયા હતા. નવાપુરાના પીઆઇ આર એમ ચૌહાણે કહ્યું હતું કે,સીસીટીવી ફૂટેજની તપાસ ચાલી રહી છે.એક ફૂટેજમાં બે થી ત્રણ જણા નાના ટેમ્પામાં વાસણો મુકતાં દેખાયા હોઇ તેની વધુ કાર્યવાહી ચાલી રહી છે.