વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના ઘટી:MBA કરતાં યુવકનું મોત

વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની ધૂત હાલતમાં નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલાં યુવક અને યુવતીઓને અડફેટે લીધા  હતા . જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી. તથ્યને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં તેમ આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જણાયું છે. કારચાલક ઓવરસ્પીડમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તે નશાની હાલતમાં હોવાનું નજરે જોનારે જણાવ્યુ હતું. આ કારચાલક સ્પીડમાં કાર બ્રિજ પાસે બે એક્ટિવાને ટક્કર મારતા કાર બેથી ત્રણવાર પલટી મારી હતી અને ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈ તાત્કાલિક લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. કારમાં નબીરા સાથે તેની ફિયાન્સી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં અન્ય બે યુવતીને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર યુવક અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. તથ્યકાંડ બાદ આ ઘટનામાં પણ ચાલકને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ખાનગી કારમાં બેસાડી હોસ્પિટલ લઈ જતાં હતાં. પરંતુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાને લઈ અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે