લાઠી પંથકમાંથી 31 બાઈક સાથે ઉઠાવગીર ગેંગના 6 શંકુઓ ઝડપાયા
અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં દિન પ્રતિદિન બાઈક તસ્કરીના બનાવો સામાન્ય બની જતા અને બાઈક ચોર આંખના પલકારામાં પોતાનો કસબ અજમાવી સૌ કોઈને વિચારતા કરતા હોવાના અનેક કિસ્સા ધ્યાને રાખી અમરેલી પોલીસે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામની સીમમાંથી જુદી જુદી કંપનીના ૩૧ બાઈક સાથે ૬ તસ્કરોની ૧૨.૫૦ લાખના મુદ્દામાલ સાથે અટક કરી છે. વિવિધ જીલ્લામાં નોંધાયેલ બાઈક તસ્કરીના ૫૦થી વધુ ગુનાનો ભેદ ખુલ્યો હતો. પોલીસ સુત્રોની વિગતો પ્રમાણે ઘનશ્યામ ભુપતભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭, ધંધો ખેત મજુરી, રહે. સરકારી પીપળવા, તા. લાઠી, જિ. અમરેલી), નિલેષ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ. ૩૧, ધંધો સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. મુળ બોટાદ, હાલ રહે. રાજકોટ), તબરેજ કાદરભાઈ કારીયાણી (ઉ.વ. ૨૫, ધંધો, સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. મુળ બોટાદ, હાલ રહે. રાજકોટ), તબરેજ કાદરભાઈ કારીયાણી (ઉ.વ. ૨૫, ધંધો સીસી ટીવી કેમેરા ફીટીંગની મજુરી, રહે. બોટાદ, પાવરહાઉસ પાસે, પરા), અતુલ શામજીભાઈ જમોડ (ઉ.વ. ૨૩, ધંધો હીરા ઘસવાનો, મજુરી કામ, રહે. હડદડ, ભદ્રાવડી રોડ, તા. બોટાદ, જિ. બોટાદ), કિશન નટુભાઈ હરિપરા (ઉ.વ. ૨૧, ધંધો અભ્યાસ, રહે. ઉગામેડી, સરદાર પટેલ સ્કુલ સામે, તા. ગઢડા, જિ. બોટાદ), પાર્થ લક્ષ્મણભાઈ જાંબુકીયા (ઉ.વ. ૨૫, ધંધો અભ્યાસ તથા કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન, રહે. હાલ બોટાદ, એમ.ડી. સ્કુલ પાછળ, આનંદધામ બંગ્લોઝ) પાસે, મુળ રહે. પાણવી, તા. વલ્લભીપુર, જિ. ભાવનગર) દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તસ્કરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કીંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઈ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવી તસ્કરી કરતા હતા તેમજ કોઈ જગ્યાએ કોઈ રહેણાંક બહારથી મોટર સાયકલ ચોરવાનું હોય ત્યાં ઘર માલિક ઘર બહાર આવી ન જાય તે માટે તેવા મકાનની બહારની સ્ટોપર આલ્ડ્રાફ બંધ કરી, ડુપ્લીકેટ ચાવી લગાડી બાઈકની તસ્કરી કરવાના ઈરાદે અવરોધ ઉભો કરી મોટરસાયકલ તસ્કરી કરી લઈ જતા હતા અને તસ્કરીના મોટર સાયકલોની ડુપ્લીકેટ આરસી બુક બનાવી, ખોટી અને બનાવટી આર.સી. બુકને સાચી બતાવી તેમજ તસ્કરીની મોટરસાયકલો બેન્ક લોનના હપ્તા નહીં ભરનારની સીઝ કરેલી અને હરરાજીમાંથી મેળવેલ હોવાનું ખરીદદારને જણાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી મેળવવાના ઈરાદાથી તસ્કરી કરતા હતા. શંકુઓ પાસેથી રોયલ એન્ફીલ્ડ બુલેટ-૨, હોન્ડા એક્ટીવા-૧૯, હીરો સ્પ્લેન્ડર પ્લસ-૪, બજાજ પ્લેટીના-૧, હીરો પ્લેઝર-૧, ટીવીએસ જ્યુપીટર-૧, બજાજ પલ્સર-૧, બજાજ એવેન્જર ૧, હોન્ડા શાઈન ૧ મળી કુલ ૩૧ મોટરસાયકલ કિંમત રૂ. ૧૨,૫૦,૦૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.