કડાદરામાં વાડામાં સંતાડાયેલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો
ગાંધીનગર જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે દહેગામ તાલુકાના કડાદરા ગામે બુટલેગર દ્વારા મકાનની બાજુના વાડામાં વિદેશી દારૂ સંતાડાયો હોવાની બાતમીના આધારે દહેગામ પોલીસે રેડ પાડી વિદેશી દારૂની પ૪ બોટલ જપ્ત કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. જિલ્લામાં હાલ પોલીસ દારૂનો જથ્થો પકડવા મથી રહી છે ત્યારે કોમ્બીંગ નાઈટ પણ કરાઈ રહી છે. દહેગામ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એસ. જે. રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કડાદરા ગામે સોલંકીવાસમાં દીલીપસિંહ ઉર્ફે મુખી વિસાજી બિહોલાના મકાનની બાજુના વાડામાં જમીનની અંદર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે રેડ પાડીને વિદેશી દારૂની પ૪ બોટલ જપ્ત કરી ર૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દીલીપસિંહ બિહોલા મળી નહીં આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લામાં હાલ દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવાઈ રહી છે.