કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક શખ્સનું મૃત્યુ : ત્રણને ઇજા

ગાંધીનગર જિલ્લામાં હાઈવે રસ્તા ઉપર અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે કોબા-અડાલજ રસ્તા ઉપર બાલાપીર ચોકડી નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત ચાર શખ્સોઓ ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રીક્ષાચાલકનું મૃત્યુ થયું હતું. આ સંદર્ભે અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ગાંધીનગર શહેર અને આસપાસના હાઈવે રસ્તા ઉપર અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે ત્યારે ગાંધીનગર પાસે આવેલા કોબા અડાલજ રસ્તા ઉપર અકસ્માતની વધુ એક ઘટના બનવા પામી હતી. રવિવારે લોદરા ગામના વિષ્ણુજી જીવણજી ઠાકોર તેમની રીક્ષામાં ગામના જ એક મહિલા અને તેમના બે બાળકોને લઈ અમદાવાદ પાલડી ખાતે ગયા હતા. જયાંથી બપોરના અરસામાં   તેઓ પાછા ફરી રહયા હતા ત્યારે ઝુંડાલથી બાલાપીર જતાં અડાલજ અન્નપૂર્ણા મંદિર સામે એક કારે રીક્ષાને અડફેટે લીધી હતી. જેના કારણે રીક્ષાચાલક વિષ્ણુજી સહિત મહિલા અને તેમના બે બાળકો રીક્ષા બહાર ઝડપાયા હતા. જેમાં ત્યાંથી પસાર થતી ટ્રકનું ટાયર વિષ્ણુજીના પગ ઉપરથી ફરી વળ્યું હતું અને તમામ ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ મહિલા ગીતાબેનને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાબતે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *